Site icon Revoi.in

બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ, બેની ધરપકડ

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનને ઉથલાવવાના પ્રયાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ આવી ઘટનાઓને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની છે. દરમિયાન તાજેતરમાં બોટાદ નજીક ઓખા-ભાવનગર ટ્રેનને ઉથાવવાના પ્રયાસની ઘટના બની હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભીને બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં ટ્રેન ઉથલાવીને પેસેન્જરો પાસેથી રોકડ અને દાગીના સહિતની કિંમતી મત્તાની લૂંટ કરવાના ઈદારે આ કાવતરુ ઘડ્યાનું ખુલ્યું હતું. આરોપીઓએ દેવુ વધી જતા આ કાવતરું ઘડ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો હતો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ગુનાની ગંભીરતાને ધ્યામાં રાખીને ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ તપાસ આરંભી હતી. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરીને આ કેસમાં રમેશ ઉર્ફ રમુડીયો, કાનજીભાઇ માધાભાઈ સલીયા, (ઉ.વ 55, રહે. અળવ ભરવાડના નેસડામા રાણપુર, જિલ્લો બોટાદ), જયેશ ઉર્ફ જયલો નાગરભાઈ પ્રભુભાઈ બાવળીયાને ઝડપી લીધા હતા.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ કબુલાત કરી હતી કે, અમારે દેવું થઈ ગયુ હોય પૈસાની જરૂરીયાત ઉભી થતા ટ્રેન ઉથલાવી લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાને અંજામ આપવા માટે યુટ્યુબ ઉપર વીડિયો જોઈ કુંડલી નજીક સીમ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડા અને દાગીનાની લૂંટ કરી નાસીછૂટવાનો પ્લાન બનાવેલ.