અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગુનાખોરીને ડામવા પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની કામગીરી વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટની પ્રયાસની ઘટના સામે આવી છે. વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કરનારા લૂંટારુનો લોકોએ ઝડપીને પોલીસને હલાવે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં એક શખ્સ આવ્યો હતો. તેમજ તેણે વેપારીને કેટલાક દાગીના બચાવવા કહ્યું હતું. જેથી વેપારી તેને દાગીના બચાવી રહ્યાં હતા ત્યારે અજાણ્યા શખ્સે પોતાના ખિસ્સામાં રાખેલી મરચાની ભૂકી બહાર કાઢીને વેપારીની આંખમાં નાખીને દાગીનાની લૂંટીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી વેપારીએ બુમાબુમ કરતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓ સતર્કતા દાખવીને લૂંટારૂને ઝડપી લીધો હતો. તેમજ તેને મેથીપાક ચખાડ્યો હતો.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લૂંટારૂને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. તપાસમાં અન્ય ગુનાનો પર્દાફાશ થવાની શકયતા.