Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના કોંગ્રેસના પ્રયાસો

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. મુંદ્રામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઈન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ વિધાનસભાના ગૃહમાં ગૃહરાજ્યમંત્રીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની મીઠી નજર શબ્દ રેકોર્ડમાંથી દૂર કરવા કહ્યું

ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા હેરોઈન મુદ્દે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ડ્રગ્સ સરકારની મીઠી નજર હેઠળ આવ્યું છે. હેરોઈન કોનું છે એમને તો પકડો. ધાનાણીએ પણ જણાવ્યું હતું કે, આ મુદ્દે સરકાર લાજવાના બદલે ગાજે છે. હેરોઈન પકડવાના મુદ્દે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 72 કલાક સુધી એટીએસ ઓપરેશન કરી હેરોઈન પકડ્યું છે.

દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ હર્ષ સંઘવીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. આ મુદ્દા પર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું જણાવ્યું છે તેવું ના હોય. મીઠી નજર આવા શબ્દો રેકોર્ડમાથી દુર કરવા જોઈએ. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે સરકાર લાજવાને બદલે ગાજે છે. પોલીસને લુખ્ખા તત્વો મારે છે એવા બનાવો બને છે. અમિત ચાવડાએ કહ્યુ પ્રદિપસિંહ જેવા વિદ્વાનના બદલે હર્ષભાઈ તમને જવાબદારી સોપી છે. ત્યારબાદ વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં ફરી હોબાળો કરી મૂક્યો હતો.

વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં તાઉ-તે અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં અતિવૃષ્ટિના સર્વે ઓફિસમાં બેસીને કાગળો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ પર સરકારનો કોઈ અંકુશ નથી. અધિકારીઓ સરખા જવાબ પણ આપતા નથી. માનવીના મોત અને પશુઓના મોતની સહાય એક સરખી હોવા મુદ્દે સરકારને ઘેરી હતી