એક જ દેશના ત્રણ ટુકડા એટલે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આજે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. પાકિસ્તાન ઇસ્લામીક દેશ છે અને બાંગ્લાદેશ ધર્મનિરપેક્ષ દેશ છે. પરંતુ ફરી એકવાર બાંગ્લાદેશ ઇસ્લામીક દેશનો દરજ્જો મેળવવા માંગે છે અને તે માટેની હિલચાલ શરુ થઇ ગઈ છે.
શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી હાલ બાંગ્લાદેશની વચગાળાની સરકાર બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવી શકે છે. વચગાળાની સરકારમાં એટર્ની જનરલ મોહમ્મદ અસજ્જમાને હાઈકોર્ટમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જે અંતર્ગત બાંગ્લાદેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષ સેક્યુલર અને સમાજવાદ શબ્દોને હટાવવાની માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બાંગ્લાદેશના સ્થાપક મુજીબર્રહમાનને રાષ્ટ્રપિતાનો દરજ્જો હટાવવાની માંગણી કરવામાં આવી છે. બાંગ્લાદેશ 1971 માં પાકિસ્તાનથી આઝાદ થયું ત્યારે ધર્મ નિરપેક્ષ હતું ત્યારબાદ 1977માં ઝિયાઉર રહેમાનનાં મીલીટરી શાસન દરમ્યાન બાંગ્લાદેશ સૈન્ય સરકારે ઈસ્લામિક સ્ટેટ જાહેર કર્યું હતું.
વર્ષ ૨૦૧૧ માં હસીના સરકારે બંધારણમાં સુધારો કરી ફરી બાંગ્લાદેશને ધર્મ નિરપેક્ષ બનાવ્યું હતું. જો કે ફરી એકવાર બાંગ્લાદેશમાં ઇસ્લામીક કટ્ટરવાદી શાસન હોવાથી ફરીથી ઇસ્લામીક દેશ જાહેર થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે શેખ હસીના સરકાર પડી જવાથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અને અત્યાચાર સતત વધી રહ્યા છે. ત્યાં વસતા હિંદુઓ ભયભીત છે. તો બીજી બાજુ જે દેશમાંથી બાંગ્લાદેશ છુટું પાડ્યું તે પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947 નાં રોજ આઝાદ થયું હતું.
પાકિસ્તાનને તેનું બંધારણ બનાવતા 9 વર્ષનો સમય લાગ્યો હતો. ત્યાં સુધી તે બ્રિટીશ કાયદા અપનાવતું રહ્યું. 1956 માં પાકિસ્તાને તેનું બંધારણ બનાવ્યું અને ત્યારે પાકિસ્તાનને ઇસ્લામીક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. તો બીજી બાજુ ભારત દેશ આઝાદ થયો, 26 જાન્યુઆરી થી ભારતનું બંધારણ અમલી બન્યું ત્યારથી ભારત ધર્મે નિરપેક્ષ દેશ છે.