નવી દિલ્હીઃ વારાણસીમાં વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગને જળ ચઢાવવાની અને પૂજા કરવાની જાહેરાત કરનાર શ્રી શંકરાચાર્ય સ્વામિસ્વરૂપાનંદજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રએ મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં આજે તેમના મઠની બહાર પોલીસ તૈનાત કરીને તેમને અટકાવામાં આવ્યાં હતા. જેથી અવિમુક્તેશ્વરાનંદજીએ નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું, “મેં મારા પોતાના મોબાઈલથી કમિશનરને અરજી મોકલી હતી અને પત્ર સાથે એક વ્યક્તિ ને ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં મોકલ્યો હતો. મારી પાસે પુરાવા છે. હું પૂજા પછી જ અહીં બેસીને ભોજન કરીશ. અમે કોર્ટના આદેશનુંપાલન કરીશું,” પરંતુ શું કોર્ટના નિર્ણય સુધી ભગવાન ભૂખ્યા અને તરસ્યા રહેશે? અમે રિવ્યુ પિટિશન (પ્રાર્થનાની પરવાનગી માટે) દાખલ કરી હતી પરંતુ પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.”
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીની શિવલિંગની પુજાની જાહેરાત બાદથી વારાણસીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેઓ શિવલિંગ પર પૂજા કરશે તેવી જાહેરાત કર્યા પછી તેમને બહાર આવતા અટકાવવામાં આવ્યા છે. આ માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મઠની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ સીલબંધ કરવામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મસ્જિદ પરિસરમાં શિવલીંગ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.