સુરતઃ વિશ્વના સૌથી મોટા કોર્પારેટ હાઉસ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)નું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રીજને ખુલ્લો મૂકવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખજોદ ખાતે નિર્માણધીન એસડીબીની મુલાકાત લીધી હતી અને એસડીબીના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુટીનને લાવવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું પણ ઔપચારિક વાતચીતમાં કહ્યું હતું.
સુરતના ખજોદ ખાતે આકાર પામી રહેલા ડાયમંડ બુર્સ દુનિયાના વિશાળ કોર્પોરેટ હાઉસોમાં સ્થાન પામે તે પ્રકારનું બનાવાયું છે. સુરત ડાયમંડ બુર્સ કમિટી સાથે યોજાયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે.
અહીં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. ડાયમંડ બુર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, 36 એકર જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના નિર્માણથી દુનિયાના વ્યાપારીઓ સુરત આવીને પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે.
બેઠકમાં ખજોદમાં આવેલી મનપાની ડીસ્પોઝેબલ સાઇટને હટાવવા માટે મુખ્યપ્રધાને રજૂઆત કરાઇ હતી. આ સાથે ગાંધીનગર ઇન્ફોસીટી અને અમદાવાદ નોલેજ સીટીની તર્જ પર સુરતમાં પણ નોલેજ સીટી અથવા આઇટી હબ સુરત ડ્રીમ સીટીમાં બનાવવા માટે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી