ટ્રાન્સપોર્ટરોની હડતાળ સમેટાતા ગોંડલ યાર્ડમાં પુનઃ લાલ મરચા, કપાસ અને તલીની હરાજી શરૂ
ગોંડલઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાઓના ખેડુતો કૃષિપાક વેચવા માટે આવતા હોય છે. ગત સપ્તાહના અંત સુધીમાં લાલ મરચા, કપાસ સહિતના પાકની સારીએવી આવક થઈ હતી. લાલા મરચાની તો એક જ દિવસમાં એક લાખ ભારીની આવક થતાં યાર્ડમાં મરચા રાખવા માટેની જગ્યા બચી નહતી. બીજી બાજુ ટ્રક-ટ્રાન્સપાર્ટરોની હડતાળને કારણે બહારના વેપારીઓ ખરીદી કરવા આવતા નહતા. તેથી યાર્ડમાં માલનો ભરાવો થતાં હરાજી બંધ રાખવામાં આવી હતી. હવે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળનો અંત આવી જતાં માલનો નિકાલ શરૂ થતાં ફરીવાર હરાજી શરૂ કરવામાં આવતા ખેડુતોને રાહત થઈ છે.
ગુજરાત સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટ હડતાળને કારણે ગોંડલ યાર્ડમાં કપાસ, મરચા અને તલીની હરાજી બંધ કરવામાં આવી હતી. ટ્રક-ટ્રાન્સપાર્ટરોના સરકાર સાથે સમાધાન બાદ હડતાળનો અંત આવતા ફરી ટ્રાન્સપોર્ટ ચાલુ થઇ જતા ગોંડલ યાર્ડમાં મરચા, કપાસ અને તલીની હરાજી ચાલુ કરવામાં આવી છે. ગત રવિવારે ગોંડલ યાર્ડમાં 1 લાખ ભારી મરચાની આવક નોંધાઈ હતી. ત્યારબાદ બુધવારે સવારે મરચાની હરરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં મરચાની હરરાજીમાં 20 કિલોના ભાવ 1000/-થી 3751 /- સુધીના બોલાયા હતા.
આ ઉપરાંત ગોંડલ યાર્ડમાં તમામ જણસીની હરરાજી રાબેતા મુજબ શરૂ થતાં વેપારી અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે.