રાજકોટઃ શ્રાવણ મહિનાના આગમન સાથે તહેવારોની મોસમ શરૂ થશે. જેમાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું વિશેષ મહાત્મ્ય છે. રંગાલા ગણાતા રાજકોટમાં પાંચ દિવસનો સાતમ-આઠમનો રસરંગ લોક મેળો યોજાશે. આ મેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસરંગ લોકમેળામાં આ વર્ષે યાંત્રિક રાઇડ્સના ભાવમાં વધારો ન આપવામાં આવતા યાંત્રિક રાઇડ્સના ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવવધારો મંજુર કરવામાં નહિ આવે ત્યાં સુધી હરાજીમાં ભાગ ન લેવા નિર્ણય કર્યો છે. યાંત્રિક રાઈડના સંચાલકોને પ્લોટની હરાજી માટે ગુરૂવારે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમાં રાઇડ્સના સંચાલકોએ સાથે મળી ટિકિટના ભાવમાં રૂપિયા 10નો ભાવવધારો માગી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના કારણે યાંત્રિક રાઇડ્સ અંગે હરાજી મોકૂફ રખાઈ હતી.
રાજકોટમાં રસરંગ લોકમેળા માટે જિલ્લા કલેકટરથી લઈને આરએમસીનું તંત્ર પણ કામે લાગ્યું છે. મેળામાં અવનવી અનેક રાઈડ ઊભી કરવામાં આવતી હોય છે. રાઈડ સંચાલકો મેળાના સ્થળે ભાડે પ્લોટ્સ લઈને રાઈડ ઊભી કરતા હોય છે. આ વર્ષે રાઈડ સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે. અને તેથી તમામ રાઈડ સંચાલકોએ એક થઈને તંત્ર પાસે 10 રૂપિયાનો ટિકિટમાં ભાવ વધારો માંગ્યો છે. દરમિયાન યાંત્રિક રાઇડ્સ સંચાલકોના કહેવા મુજબ રાજકોટ લોકમેળા સમિતિ અને રાજકોટ કલેક્ટર દ્વારા અમને ગુરૂવારે હરાજી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને હરાજીમાં જોડાયા ન હતા. કારણ કે અમે ગત વર્ષે જ ભાવ વધારો માંગ્યો હતો. આમ છતાં આ વર્ષે અમને ભાવ વધારો આપવામાં ન આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે, કલેક્ટર તેમજ લોકમેળા સમિતિ પાસે સામાન્ય માગ છે કે, યાંત્રિક રાઇડ્સની ટિકિટમાં 10 રૂપિયાનો વધારો આપવામાં આવે. ગત વર્ષે અમને મૌખિક મંજૂરી આપવામાં આવી હતી અને આ વર્ષે 10 રૂપિયા વધારો આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આમ છતાં 10 રૂપિયા વધારો આ વર્ષે આપવામાં આવ્યો નથી. પ્લોટના ભાડામાં 10 ટકાનો વધારો મુકવામાં આવ્યો છે તેની સામે અમને વાંધો નથી એ અમે આપવા તૈયાર છીએ, પરંતુ અમે રાઇડ્સમાં માત્ર 10 રૂપિયા જ વધારવા માંગીએ છીએ. ડીઝલ તેમજ ટ્રાન્સ્પોટેશન અને મજૂરી સહિત તમામ વસ્તુઓમાં મોંઘવારી અને ભાવ વધારો અસહ્ય હોવાથી અમને આ પરવડે તેમ નથી. માટે સામાન્ય 10 રૂપિયાનો ભાવ વધારો માંગ્યો છે. નાની રાઇડ્સના 40 અને મોટી રાઇડ્સના 50 રૂપિયા કરવા અમારી માગ છે. આ વર્ષે 10 રૂપિયા ભાવવધારો આપવામાં નહિ આવે તો અમે હરાજીમાં જોડાશું નહિ તે વાત નિશ્ચિત છે.