દેવગઢબારિયાઃ દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો સરહદી જિલ્લો છે. તેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ધૂંસાડવાના પ્રયાસો થતા હોય છે. થોડા દિવસ અગાઉ જ કરોડો રુપિયાનો દારુનો જથ્થો જુદી-જુદી જગ્યાએથી ઝડપાયો હતો, ત્યારે ફરી એકવાર દારુ આવતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસ અડચણરૂપ બની રહી હોવાની માહિતી બુટલેગરોને મળતા જ ગેરકાયદેસર મંડળી રચી પોલીસ પર મારક હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને પોલીસની જીપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સામસામે ફાયરિંગ પણ થયા હતા. પોલીસે સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. સાગટાળા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, તા.18/6/2023ના રોજ રાતે 1:15 વાગે દાહોદ જિલ્લાનાં દેવગઢ બારીયા તાલુકાના કાળીયાકુવા ગામ રોડ ઉપર સાગટાળા થાણા ઇન્ચાર્જ તથા પોલીસ કર્મચારીઓ દારૂની હકીકત સબંધે વોચ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ટીમ ઉપર બુટલેગરો કુતરીયા રામજી નાયક રહે. નાની વડોઇ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર (એમ.પી.), દિલીપ શંકર નાયક રહે.ઉંમરવડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.), રાજુભાઇ શંકરભાઇ તોમર તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) તથા તેઓની સાથે બીજા આશરે પંદરેક હુમલાખોરો મોટર સાયકલો ઉપર ભેગા મળી આવ્યાં હતા. તેઓએ હાથમાં તીર-કામઠા, ધારીયા-પાળીયા, લાકડી તેમજ પાઇપો જેવા મારક હથિયારો ધારણ કરી ગેરકાયદે મંડળી રચી, પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. સરકારી વાહનને નુકસાન કરતા પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયર કરવુ પડ્યું હતું. જેથી આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ પર બેસી ભાગી ગયા હતા. બુટલેગરોને પકડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી રવાના કરવામા આવી છે. આ બનાવ સબંધે આરોપીઓ વિરુધ્ધ 307, 353, 186, 427, 435, 440, 143, 144, 147, 148, 149, તથા ગુજરાત પોલીસ અધિનીયમ કલમ.135 તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ.3,4 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે SP બલરામ મીણાએ જણાવ્યું હતું કે, લોકલ પોલીસની ટીમને દારૂ અંગે બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બે બાઈક લઈ બૂટલેગરો આવ્યાં હતા, ત્યારે તેમની સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન થોડીવારમાં જ વધુ બાઈક પર 15થી વધુ લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી. તેમજ પોલીસ પર હુમલો કર્યો હતો, જેથી લોકલ પીએસઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ પર કર્યું હતું. બૂટલેગરોએ લોકલ પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓની હાલ શોધખોળ હાથ ધરી છે.