નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુઘલ શાસક ઔરંગઝેબ ઉપર લખાયેલી બુકમાં ચોંકાવનારા ખુલાસા કરયાનું ચર્ચાઈ રહ્યું છે. ઔરંગઝેબ દ્વારા હિન્દુ મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓ તોડ્યા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાના આદેશ કર્યા હતા અને મથુરા અને વૃંદાવનનું નામ બદલવાના પ્રયાસ કર્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર મુઘલ શાસક ઔરંગઝેબે હિંદુઓના મંદિરો તોડવાની સાથે ધાર્મિક શહેરોના નામ પણ બદલીને હિન્દુઓની ઓળખ મીટાવવાનો પ્રયાસ કર્યાંનું ઈતિહાસકારો માની રહ્યાં છે. ઔરંગઝેબે મથુરાનું નામ બદલીને ઈસ્લામાબાદ અને વૃંદાવનનું નામ બદલીને મોમિનાબાદ રાખ્યું હતું, પરંતુ આ નવા નામો શાહી દસ્તાવેજો સુધી સીમિત રહ્યા હતા. કેટલાક મુઘલ ઈતિહાસકારોએ પણ તેનો ઉપયોગ કર્યો, પરંતુ સામાન્ય લોકોએ ક્યારેય આ નામોનો ઉપયોગ કર્યો નથી. 1670માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે તેના શાસનના 13માં વર્ષમાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાના પ્રખ્યાત કેશવ દેવ મંદિરને તોડી નાખ્યું હતું અને મથુરા અને વૃંદાવનની સાંસ્કૃતિક ઓળખને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. તે જગ્યાએ મસ્જિદ બાંધવાની સાથે તેણે મથુરાનું નામ બદલીને ઈસ્લામાબાદ અને વૃંદાવનનું નામ બદલીને મોમિનાબાદ કર્યું હોવાનું ઈતિહાસકારો માની રહ્યાં છે. આ આદેશનો સંપૂર્ણ અમલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બંને નામો સામાન્ય લોકોમાં ક્યારેય લોકપ્રિય બની શક્યા નહીં અને માત્ર મુઘલ શાહી કચેરીઓ સુધી જ સીમિત રહ્યા હતા. મથુરા માટે ‘ઈસ્લામાબાદ’ અને વૃંદાવન માટે ‘મોમિનાબાદ’ નામ લખવાની પરંપરા પર્શિયન દસ્તાવેજોમાં લાંબા સમય સુધી ચાલુ રહી હતી.
ઈતિહાસકાર લક્ષ્મી નારાયણ તિવારીએ જણાવ્યું હતું કે, 18મી સદીના મધ્યમાં મથુરા-વૃંદાવન જાટ શાસકોના નિયંત્રણમાં આવ્યું, ત્યારે તેઓએ સિક્કા બનાવવા માટે મથુરા અને વૃંદાવનમાં પોતાની ટંકશાળની સ્થાપના કરી હતી. તે સમયે મુઘલ બાદશાહ શાહઆલમ બીજાના નામે જ સિક્કા બહાર પાડવામાં આવતા હતા. સિક્કાઓ પર પણ પર્શિયનમાં મથુરા ટંકશાળના નામ પર ‘ઈસ્લામાબાદ’ અને વૃંદાવન ટંકશાળના નામ પર ‘મોમિનાબાદ’ અંકિત કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સમયગાળાના ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મથુરા-વૃદાવનની ટંકશાળમાં ઘડવામાં આવેલા તે દુર્લભ સિક્કાઓ આજે પણ વૃંદાવનના ગોદા વિહાર મંદિરમાં સ્થિત બ્રજ સંસ્કૃતિ શોધ સંસ્થાનના સંગ્રહમાં જોઈ શકાય છે, જે ઔરંગઝેબની દમનકારી નીતિની વાર્તા કહે છે.
બ્રજ સંસ્કૃતિ શોધ સંસ્થાનના પ્રકાશન અધિકારી ગોપાલ શરણ શર્માએ જણાવ્યું કે, મુઆસિર આલમગીરી પુસ્તક, જેના લેખક મોહમ્મદ સાકી મુસ્તેદ ખાન બાદશાહ ઔરંગઝેબના દરબારી ઈતિહાસકાર હતા, તેમણે પુસ્તકમાં ઔરંગઝેબ દ્વારા કેશવદેવ મંદિરના વિનાશ અને તેની જગ્યાએ મસ્જિદ બનાવવાનું અને મથુરા અને વૃંદાવનના નામ બદલવાનું અધિકૃત વર્ણન આપ્યું છે ફારસી લખાણનો હિન્દી અનુવાદ 1909માં મુનશી દેવીપ્રસાદ દ્વારા ‘ઔરંગઝેબનામા’ના નામે કરવામાં આવ્યો હતો.