ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન ક્લેઅરએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત
ગાંધીનગરઃ ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન ક્લેઅર દ્વારા આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન ટીમનું ડેલીગેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટીમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોરમેશન જર્નીની માહિતી મેળવી હતી. આ પ્રતિનિધિઓએ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સની તમામ વિગતો મેળવી હતી. તમામ પ્રતિનિધિઓએ લાઈવ રીઅલ ટાઈમ એટેન્ડન્સ, એસેસમેન્ટ અને સ્કુલ એક્રેડીટેશનના ડેશબોર્ડ દ્વારા શાળા શિક્ષણની અદ્યત્તન માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વર્તમાન સુધારાઓથી શું લાભ થયો તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર રીલાયેબલ અને વિશ્વસનીય ડેટા માટેનું એક વૈશ્વિક મોડલ બની રહ્યું છે, જે સમગ્ર વિશ્વના શાળાકીય શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અગત્યની ભૂમિકા નિભાવશે. ગાંધીનગર ખાતેનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર માત્ર ભારત સુધી જ નહિ પણ સમગ્ર વિશ્વમાં શિક્ષણક્ષેત્રે બહોળા વ્યાપ સાથે ક્રાંતિ લાવવામાં સફળ થઇ રહ્યું છે તેવું આ મુલાકાત પરથી ફલિત થાય છે. આ પહેલાં વિવિધ દેશોમાંથી પ્રતિનિધિઓ અને વર્લ્ડ બેંકના પ્રમુખ, અજય બાંગા દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી છે. ભારત સરકાર દેશના અન્ય રાજ્યોમાં પણ આ મોડલ લાગુ કરી રહી છે જયારે વર્લ્ડ બેંકના પ્રમુખએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દુનિયાના અન્ય દેશો માટે અનુકરણીય મોડેલ છે તેવું જણાવ્યુ હતુ. વધુમાં, આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પણ પોતાના દેશમાં આ પ્રકારનું મોડલ લાગુ કરવા અને વિસ્તૃત માહિતી મેળવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવી રહ્યા છે.