મુંબઈ:ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.આ સમયે ઓસ્ટ્રેલિયા ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા જઈ રહ્યું છે.તેના પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે.
ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 વનડે અને 103 ટી-20 મેચ રમી છે. તે એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે જેણે 76 T20માં ટીમની કેપ્ટનશીપ કરી છે.તેણે તેની 103 T20 મેચોમાં 34.28ની એવરેજથી રન બનાવ્યા.તેનો સ્ટ્રાઈક રેટ પણ 142.5 હતો.વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે તેણે 76 બોલમાં 172 રન બનાવીને એક અલગ રેકોર્ડ બનાવ્યો હતો.પરંતુ હવે ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.ભારત સાથેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
પોતાની નિવૃત્તિ અંગે ફિન્ચે એક નિવેદનમાં કહ્યું કે મને એવી લાગણી છે કે હું હવે 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આવી સ્થિતિમાં, નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું. 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીતવો મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. આ 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું, કેટલાક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ ઈચ્છે છે.