અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા નેશનલ હાઈવેની બદતર હાલત છે. ચોમાસા દરમિયાન રોડ તૂટી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે. મુંબઈ-ભરૂચ સુધીના નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડાની વ્યાપક ફરિયાદો બાદ અંતે નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગ્યું છે. અને સપ્તાહમાં જ હાઈવે રના તમામ ખાડાઓ પુરી દેવા અને ત્વરિત મરામતના કામો હાથ ધરવાના આદેશ અપાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ-મુંબઇ વચ્ચેના નેશનલ હાઇવે નંબર 48 ઉપર પડેલા ઠેર-ઠેર ખાડાઓને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઇ રહ્યા છે. હાઇવે પર પડેલા અગણિત ખાડાઓની ફરિયાદ છેક દિલ્હી સુધી પહોંચી હતી. આથી નેશનલ હાઇવે ઓથોરિટીના ચેરમેન દોડી આવ્યા અને મુંબઇથી સુરત અને ભરૂચ સુધીની મુસાફરી કરતાં હાઇવેની હાલત જોઇને તાત્કાલિક ધોરણે સપ્તાહમાં નેશનલ હાઇવેને ખાડા મુક્ત કરવાનો આદેશ કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટીના ચેરમેન અલ્કા ઉપાધ્યાયે એક સપ્તાહમાં મુંબઇના વર્સોવાથી લઇને ભરૂચ સુધીના ખાડાઓ પૂરવાનો આદેશ આપ્યો છે. હાઇવે રિપેરિંગની કામગીરી ધીમી હોવાના મામલે પણ ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદથી મુંબઇ જતા વાહનચાલકો નેશનલ હાઇવે 48નો ઉપયોગ કરે છે. અમદાવાદથી વડોદરા સુધી એક્પ્રેસ વે અને ત્યારબાદ નેશનલ હાઇવે 48નો ઉપયોગ કરે છે. આ હાઇવે ઉપર સૌથી વધુ ટ્રાફિક રહે છે. કામરેજ, કડોદરા સહિતના પોઇન્ટ ઉપર ભારે વાહનોને કારણે અનેક વખત લોકોને એકથી બે કલાકનો સમય નીકળી જાય છે. એવામાં ખાડાઓને કારણે ભરૂચ-મુંબઇ વચ્ચેનો સમયગાળો વધી જાય છે.