Site icon Revoi.in

ઘરના બેડરૂમનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો, બે વર્ષના બાળકને ફાયર જવાનોએ બચાવ્યો

Social Share

સુરતઃ  શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક પરિવારનું બે વર્ષની ઉંમરનું બાળક બેડરૂમમાં રમતું હતું. દરમિયાન બેડરૂમના દરવાજા પર ઓટોમેટિક સેફ્ટી લોક હોવાથી દરવાજો અચાનક બંધ થતાં જ લોક થઈ ગયો હતો. દરવાજાની ઓટોમેટિક લોકની ચાવી પણ બંધ થયેલા બેડરૂમમાં હતી અને બે વર્ષનું બાળક પણ બેડરૂમમાં પુરાઈ જતા રડવા લાગ્યું હતું. પ્રથમ તો બંધ થઈ ગયેલા બેડ રૂમમાંથી બાળકને તાત્કાલિક બહાર કેવી રીતે કાઢવું તે પ્રશ્ન હતો. પરિવારજનોએ બેડરૂમ ખોલવા ખૂબ પ્રયત્ન કર્યો. બેડરૂમનો દરવાજો તોડવાનો પણ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળતા આખરે શહેરના ફાયરબ્રીગેડ વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ હાઈડ્રોલિક સીડીથી બીજા માળે બાલ્કની સુધી પહોચીને બેડરૂમમાં જઈને બાળકને હેમખેમ બચાવી લઈને તેના માત-પિતાને સોંપ્યું હતું.

સુરત શહેરના વેસુ વીઆઇપી રોડ પર આવેલા રત્નકંચન એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલ કુમાર શર્મા એરપોર્ટ પર કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવે છે. મંગળવારે મહાશિવરાત્રી હોવાથી તેઓ મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા.પરિવાર હજી ઘરની બહાર નીકળે તે પહેલાં જ તેમના 2 વર્ષીય પુત્ર સ્વરાજે બેડરૂમનો દરવાજો અંદરથી ખેંચી લેતા લોક થઈ ગયો હતો. દરવાજો ઓટોમેટિક લોક હોવાને કારણે અંદરથી બંધ થઈ ગયો હતો. જેના કારણે માત્ર બે વર્ષનો બાળક રૂમની અંદર લોક થઈ જતા માતાપિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. તેઓએ દરવાજો ખોલવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ નિષ્ફ્ળ નીવડ્યા હતા. જેથી આખરે તેઓએ ફાયરની ટીમની મદદ લેવાનું નક્કી કર્યું હતું. ફાયરને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળની બાલ્કનીમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, અને દરવાજા વાટે પ્રવેશીને બાળકને ઉગારી લેવામાં આવ્યો હતો.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અમે જયારે એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. અને ઘરની અંદર પુરાયેલો બાળક ખુબ રડી રહ્યો હતો. જેથી અમે હાઇડ્રોલિક ક્રેઈનની મદદ લઈને ઘરની પાછળના ભાગે આવેલા બાલ્કનીમાંથી ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. અમે રૂમની અંદર પ્રવેશીને બાળકને સહી સલામત તેના માતાપિતાને સુપરત કર્યો હતો. જોકે આ ઘટના પરથી માતાપિતાએ બોધપાઠ લેવાની જરૂર છે.

અને જો ઓટોમેટિક દરવાજો ઘરમાં હોય તો તેવા કિસ્સામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નોંધનીય છે કે સુરત ફાયર વિભાગે હજી મંગળવારે જ અઠવાલાઇન્સ ખાતે જર્જરીત બિલ્ડિંગના આઠમા માળે રહેલા શ્વાનને પણ ઉગાર્યું હતું. એક પશુ પ્રેમી મહિલાનો કોલ મળતા ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.( file photo)