અમદાવાદમાં સરેરાશ 5 ઈંચ, પાલડીમાં 12 ઈંચ, રોડ પર પાણી ભરાયા, આજે શાળા-કોલેજો બંધ રહેશે
અમદાવાદઃ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રવિવારે સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. આવતીકાલે સોમવારે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના પગલે સોમવારે શાળા-કોલેજોમાં બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. ભારે વરસાદની સ્થિતિને કારણે સિલ્વર ઓક કોલેજે એક્ઝામ મોકૂફ રાખી છે. શહેરમાં રવિવારે સાંજથી પડેલા ભારે વરસાદને કારણે વાસણા બેરેજના પાંચ દરવાજા 4 ફુટ્સ ખોલવામાં આવ્યા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજથી મેઘરાજાની પુનઃ ધમારેદાર અન્ટ્રી થઈ હતી. શહેરના એસ.જી હાઇવે, મકરબા, ગોતા, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ઝુંડાલ, સુભાષબ્રિજ, વાડજ, આશ્રમ રોડ સહિત બોપલ રિંગરોડ, સિન્ધુભવન, થલતેજ, ગોતા, પાલડી, વાસણા, વેજલપુર સરખેજ, થલતેજ, નારણપુરા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી હતી. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અને, પાર્કિંગમાં પાર્ક કરેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી
શહેરમાં ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. શહેરના મીઠાખળી અન્ડરબ્રીજ, મકરબા અન્ડરબ્રીજમાં પાણી ભરાઈ જતાં વાહનો માટે બન્ને બ્રીજ બંધ કરવા પડ્યા હતા. શહેરમાં મોડી રાત્રે પણ સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા હતા. શહેરનો કોઇ પણ વિસ્તાર કોરો નથી રહ્યો. અમદાવાદનાં લગભગ મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ વિસ્તારનાં શિવરંજની, હેલમેટ સર્કલ, નારણપુરા, શાસ્ત્રીનગર, થલતેજ, કેશવબાગ, વગેરે વિસ્તારોમાં પહેલાથી જ જે પાણી ભરાવાની સમસ્યા છે તે ચાલુ વર્ષે પણ યથાવત્ત રહી હતી.
રવિવારે સમીસાંજ બાદ પડેલા વરસાદનાં કારણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરાયેલા દાવાઓ ફરી પોકળ સાબિત થયા હતા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સતત દોડતુ અને હાંફતુ રહેતું શહેર જાણે રોડ પર થંભી ગયું હતું. શહેરમાં આજે 1 કલાકમાં જ 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડતા સીઝનનો 20 ટકા વરસાદ માત્ર ત્રણ જ દિવસમાં થઇ ગયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન સોમવારે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે.