અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાં હજુ મેઘરાજા મનમુકીને વરસતા નથી. જો કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સારા પ્રમાણમાં વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 35 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના 18 તાલુકામાં અત્યારસુધીમાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે 9 તાલુકા એવા છે, જેમાં 9 ટકાથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 31 તાલુકાઓમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે.
રાજ્યમાં આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 29 મિમી, સાબરકાંઠાના પોશીનામાં 272 મિમી, ડીસામાં 18 મિમી, વિજયનગર 17 મિમી, મહેસાણામાં 17 મિમી, મેઘરજમાં 14 મિમી જ્યારે અન્ય તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. આજે સવારે રાજ્યમાં 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 31 તાલુકાઓમાં વરસાદ સામાન્ય ઝાપટાં પડ્યા હતા.. જેમાં સાબરકાંઠાના ઈડર, સંતરામપુર, નિઝર, લુણાવાડા, અમદાવાદ શહેર, દહેગામ, સાણંદ અને હળવદનો સમાવેશ થાય છે. જો રાજ્યમાં સીઝનનો સૌથી વધુ 70.6 ટકા વરસાદ ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં નોંધાયો છે. જ્યારે ઈંચમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 47.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછા બનાસકાંઠાના લાખણી તાલુકામાં પોણો ઈંચ અને થરાદ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ 7.41 ટકા અને 8.17 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં તેમજ નર્મદાના તિલકવાડ, રાજકોટના લોધિકા, ધોરાજી, જામનગરના કાલાવડ, ભાવનગરના ગારિયાધાર, કચ્છના ભુજ, વડોદરાના પાદરા, ગીર-સોમનાથના વેરાવળ, નવસારીના ખેરગામ, ભરૂચના અંકલેશ્વર, નવસારીના નવસારી, સુરતના મહુવા, બોટાદ તાલુકામાં અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સીઝનના એવરેજ વરસાદની સરખામણીએ 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ બનાસકાંઠાના લાખણી, થરાદ, વાવ તેમજ ખેડાના ઠાસરા, પાટણના સાંતલપુર, રાજકોટના વીંછિયા અરવલ્લીના ભિલોડા તાલુકામાં 15 ટકા પણ વરસાદ નથી.