Site icon Revoi.in

બીજા તબક્કની ચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન, સાબરકાંઠામાં ઓછું મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં આજે મતદાન દરમિયાન મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મોટાભાગના મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતદારોની લાઈનો જોવા મળી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં 93 બેઠકો પર સરેરાશ 50.51 ટકા જેટલું તમદાન યોજાયું હતું. મતદાન વધારવા માટે ભાજપ,કોંગ્રેસ સહિતના પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાએ રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલ પહોંચી મતદાન કર્યું હતું.

ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર સવારથી મતદાન શરૂ થયું હતુ. સવારથી અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી હતી.  પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા જેટલું મતદાન થયું હતુ. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયું છે. 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું હતું. જોકે બપોર બાદ પણ મતદાનમાં વધારો થયો હતો ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતુ. 11 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં 20.54 ટકા મતદાન થયું છે.  કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ત્યારબાદ લોકોને ‘બધુ બરાબર છે ને?’ એવું પુછતાં લોકોએ બુમાબુમ કરીને તેમને વધાવ્યા હતા. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ ગાંધીનગર વાસણિયા મહાદેવ ખાતે મતદાન કર્યું હતું. તો બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પોતાના ગામ ભાચરમાં મતદાન કર્યું હતું. કલોલની શાળા નંબર નવ, ત્રણ આંગળી સર્કલ પાસે વોટિંગ ધીમું ચાલે છે તેમ કહીને પાલિકા પ્રમુખ ઉર્વશીબેન અને ચૂંટણી અધિકારી વચ્ચે ચકમક જરી હતી. વિજાપુરમાં 110 વર્ષના શાંતાબેન ઠાકોરે મતદાન કર્યું હતું. ડીસામાં આમ આદમી પાર્ટીના નિશાન પર મત આપતો EVMનો ફોટો વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.તો દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.

મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધ સાથે બાપુનગરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે મતદાન કર્યું હતું. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્બો તથા ગેસનો બેટલો સાથે રાખીને નેતા ઘરેથી આવ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યું હતું. અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં 16.95% મતદાન નોંધાયું હતુ. જેમાં સૌથી ઓછું એલિસબ્રિજમાં 12.64% નોંધાયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા હતા. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતુ. જ્યારે વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પત્ની કિંજલબેન સાછે મતદાન કર્યું હતું. બાદમાં કિંજલબેને જણાવ્યું હતું કે, વિરમગામ બેઠક પર લોકો પરિવર્તન ઇચ્છે છે. ચાંદલોડિયામાં શક્તિ સ્કૂલમાં EVM 45 મિનિટ બંધ રહેતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ નારણપુરા વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ 12 જેટલા EVM મશીન બદલવા પડ્યા હતા. અસારવામાં બુથ નંબર 132માં 30 મિનિટ સુધી EVM ખોટવાયું હતું.