અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમ.ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિયેશન અને એરોનોટિક્સના કોર્સ શરૂ કરાશે, જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. એમ ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે અદાણી એવિયેશન અને મહેસાણા ફલાઇંગ સ્કૂલના MOU પણ થયેલા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં કોર્સ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકશે. ઈન્ડિયન એરફોર્સ સાથે પણ MOU થયા છે, એ અંતર્ગત આ વર્ષે 17થી વધુ ઓફિસર માસ્ટર તથા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ માટે આવશે. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે, જેમાં આ પ્રકારના કોર્સ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે.
મેથ્સ અને ફિઝિક્સના વિદ્યાર્થીઓને આ કોર્સ કારણે ફાયદો થશે. યુનિવર્સિટી દ્વારા નવા પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારે વિદેશી વિદ્યાર્થીઓને કોટા પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ બાદ પણ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનલાઇન ક્લાસ ચાલુ હશે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા કોર્સ ઉમેરવામાં આવી રહ્યા છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, બાયોમેડિકલ ટેક્નોલોજી સહિતના કોર્સમાં અરજી આવી છે. નવા કોર્સ સતત ઉમેરવામાં આવી રહ્યા છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ વધી રહ્યા છે, જે ગુજરાત યુનિવર્સિટી માટે ગર્વની વાત છે.