દિલ્હી એરપોર્ટ ઉપર બેદરકારીની મોટી ઘટના સામે આવી છે. અહીં ઉભેલી એક ફ્લાઈટની બીલકુલ નીચે અચાનક એક મોટરકાર આવીને ઉભી રહી હતી. આ બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. આ એરક્રાફ્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ટી-2 ઉપર ઉભુ હતું. જો કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ વીડિયોની રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પુષ્ટી કરતું નથી.
વીડિયો અનુસાર એરપોર્ટ ઉપર એક ફ્લાઈટ ઉભી છે અને તેના બરાબર નીચે એક મોટરકાર ઉભેલી જોવા મળે છે. આ કાર એરલાઈન્સ કંપનીની જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે પૂરઝડપે આવી હતી અને ફ્લાઈટની નીચે જઈને ઉભી રહી હતી. સદનસીબે આ કાર અથડાઈ ન હતી. નહીં તો મોટી દૂર્ઘટના સર્જાઈ હોત. આ ફ્લાઈટ દિલ્હીથી પટના જવાની તૈયારી કરતી હતી, પરંતુ તે પહેલા જ આ ઘટના બની હતી.
આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું, તેમજ પ્લેનને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. જો કે, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ડીજીસીએ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત કારના ચાલકનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે.