સુરેનગરઃ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી પાંચ શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
થાનગઢના સરોડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે આઠ વિઘા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ,અને ફળ ,ફૂલ ,શાકભાજી,મળીને 1500થી 2000 જેટલા વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા 450 છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ કરાય છે.આમ સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમીમાં જો બહાર 43થી 44 ડિગ્રી હોય તો શાળામાં 37થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે. આવો સ્પષ્ટ ફરક પણ જોવા મળે છે,
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અને આઇઆઇટી ગાંધીનગર દ્વારા રાજ્યની કુલ 180 શાળાઓની વિગતો મગાવી પાંચ શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી. આ અંગે શાળાના આચાર્ય કેતન ગદાણીએ જણાવ્યું હતું કે, ગાર્ડન બનાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વગેરેએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ શાળાનો સ્ટાફ તેમજ શક્તિગૃપ મંડળ, ભીમગૃપ સહિતનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું જેમાં ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્સટતી, ગિલોય, એલોવીરા, તુલસી,મિન્ટ, શતાવરી, અજમો, ડમરૂ જેવા વિવિધ ઔષધિઓ પણ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફુલાવર, ટમેટા, રિંગણ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, વાસના વિવિધ ગેટ પણ બનાવાયા છે. આ શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાશે.