નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક નારાયણ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે થઇ હતી. શિવગિરી મઠના આધ્યાત્મિક અગ્રણીઓ અને ભક્તો, કેન્દ્રીય મંત્રીઓ, રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરન સહિત અન્ય લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને શિવગિરી મઠના સંતો અને ભક્તો સાથે એક વર્ષ પહેલાં થયેલી મુલાકાતને યાદ કરી હતી અને આવા સંવાદથી તેમને હંમેશા કેવી રીતે ઉર્જાની અનુભૂતિ થાય છે તે જણાવ્યું હતું. તેમણે ઉત્તરાખંડ- કેદારનાથમાં આવેલી કુદરતી આપદાને યાદ કરી હતી, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સત્તારૂઢ હતી અને સંરક્ષણ મંત્રી કેરળના હતા તો પણ, શિવગિરી મઠના સંતો મઠને મદદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ કહ્યું હતું કે, તેમને સેવા કરવાની આ તક મળી તે ક્યારેય ભૂલશે નહીં.
વડાપ્રધાને કહ્યું કે, શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિની ઉજવણી આ સંસ્થાઓની યાત્રા સુધી સીમિત નથી પરંતુ “આ ભારતના વિચારની અમર યાત્રા પણ છે, જે અલગ અલગ સમયગાળા દરમિયાન વિવિધ માધ્યમો દ્વારા આગળ વધે છે.” “શિવના શહેર વારાણસીની વાત હોય કે પછી વરકલામાં શિવગિરી હોય, ભારતની ઉર્જાનું દરેક કેન્દ્ર આપણા સૌ ભારતીયોનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ જગ્યાઓ માત્ર તીર્થધામો નથી, તે માત્ર આસ્થાના કેન્દ્રો નથી પરંતુ, તે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઓ પણ છે.”
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે સંખ્યાબંધ દેશો અને સંસ્કૃતિઓ ધર્મથી દૂર થયા છે અને આધ્યાત્મિકતાનું સ્થાન ભૌતિકવાદે લીધું છે ત્યારે, ભારતમાં આપણા ઋષિઓ અને ગુરુઓએ હંમેશા આપણા વિચારોને વિશુદ્ધ બનાવ્યા છે અને આપણા વર્તનમાં ઉન્નતિ કરી છે. શ્રી નારાયણ ગુરુએ આધુનિકતા વિશે વાત કરી હતી પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પણ સમૃદ્ધ બનાવ્યા હતા. તેમણે શિક્ષણ અને વિજ્ઞાન વિશે વાત કરી હતી પરંતુ તેઓ ક્યારેય ધર્મ, આસ્થા અને ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિમાંથી આવેલી કિર્તીથી અલગ થયા નહોતા. શ્રી નારાયણ ગુરુએ રૂઢિવાદ અને કુપ્રથાઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને ભારત દેશને તેની વાસ્તવિકતાથી જાગૃત કર્યો હતો. તેમણે જાતિવાદના નામે ચાલી રહેલા ભેદભાવ સામે તાર્કિક અને વ્યવહારુ લડત આપી હતી. દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો છે તેવું જણાવીને વડાપ્રધાનએ આગળ કહ્યું હતું કે, “આજે, નારાયણ ગુરુજીએ આપેલી એ જ પ્રેરણાથી, દેશ ગરીબ, દલીત, પછાત લોકોની સેવા કરી રહ્યો છે, તેમને તેમના અધિકારો આપી રહ્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ગુરુજીએ હંમેશા ચર્ચાના શિષ્ટાચારનું પાલન કર્યું હતું અને હંમેશા બીજાના દૃષ્ટિકોણને સમજવાનો તેમણે પ્રયાસ કર્યો હતો તેમજ અન્ય લોકો સાથે કામ કરીને સહયોગપૂર્વક પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમાજમાં તેઓ એવા પ્રકારનો માહોલ ઉભો કરતા હતા કે સમાજ પોતે જ યોગ્ય તર્ક સાથે સ્વ-સશક્તિકરણની દિશામાં આગળ વધે. આપણે જ્યારે સમાજ સુધારણાના આ માર્ગ પર આગળ વધીએ છીએ ત્યારે સમાજમાં સ્વ-સશક્તિકરણની તાકાત પણ જાગૃત થાય છે. તેમણે તાજેતરના સમયમાં હાથ ધરવામાં આવેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને સામાજિક રીતે અપનાવવામાં આવ્યું તે દૃશ્ટાંતનો ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનમાં સરકાર યોગ્ય માહોલ ઉભો કરવામાં સક્ષમ હોવાથી પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે.