સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદના ઉકેલ માટે ત્રણ સદસ્યોની એક મધ્યસ્થ પેનલની રચના કરી છે. આ પેનલ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો સાથે વાતચીત કરીને વિવાદનો ઉકેલ કાઢવાની કોશિશ કરશે.
મધ્યસ્થની પેનલમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કલીફુલ્લાહ, આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને એડવોકેટ શ્રીરામ પંચૂ સામેલ છે.
પેનલને મધ્યસ્થતાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આઠ સપ્તાહ એટલે કે બે માસનો સમય આવામાં આવ્યો છે.
અયોધ્યા ટાઈટલ સૂટ વિવાદનું સમાધાન કરવાની આ કોઈ પહેલી કોશિશ નથી. પરંતુ આના પહેલા પણ ચાર વખત આવી કોશિશો થઈ ચુકી છે. પરંતુ આ સમસ્યાને ઉકેલી શકાઈ નથી.
રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ વાતચીતથી કાઢવાની પહેલી કોશિશ 1990માં થઈ હતી. વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે ગંભીરતાથી ઘણાં તબક્કાની વાતચીત થઈ હતી. પરંતુ એક મહત્વના પડાવ પર પહોંચ્યા બાદ બંને પક્ષોમાં આખરી સંમતિ સધાઈ નહીં અને વાતચીત નિષ્ફળ રહી હતી.
અયોધ્યા કેસના સમાધાન માટે બીજો મહત્વપૂર્ણ પ્રયાસ કાંચીના શંકરાચાર્યે 2003માં કર્યો હતો. કાંચીના શંકરાચાર્યે વિવાદને ઉકેલવા માટે ગંભીરતાથી કોશિશો કરી હતી. પરંતુ તેમની વાતચીતથી વિવાદના સમાધાનની કોશિશો અસફળ રહી હતી.
ત્રીજી કોશિશ 2017માં સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જે. એસ. ખેહરે કરી હતી. જસ્ટિસ ખેહરે કહ્યુ હતુ કે અયોધ્યા વિવાદનો ઉકેલ કાઢવા માટે તેઓ ખુદ અથવા સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ મધ્યસ્થતા કરવા ઈચ્છશે. તેમણે કહ્યુ હતુ કે જો બંને પક્ષો ઈચ્છતા હશે, તો તેઓ આ મામલામાં મધ્યસ્થતા કરી શકે છે. પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
અયોધ્યા વિવાદનો મધ્યસ્થતાથી ઉકેલ કરવાની ચોથી કોશિશ આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે કર્યો હતો. 2017માં શ્રીશ્રી રવિશંકર અને શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવી મુસ્લિમ અને હિંદુ પક્ષકારોને મળ્યા તથા વાતચીત કરી હતી. પરંતુ તે વખતે પણ કોઈ પરિણામ આવ્યું નહીં. જો કે શ્રીશ્રી રવિશંકરે આયોધ્યા વિવાદનું સમાધાન કાઢવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
હવે સૌની નજર ફરી એકવાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ત્રણ સદસ્યોની પેનલ પર મંડાઈ છે. આ પેનલ બંને તરફના પક્ષકારો વચ્ચે વાતચીત દ્વારા એક સમાધાન કાઢવાની કોશિશ કરશે. જો આવી કોશિશ નિષ્ફળ જશે, તો સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપવો પડશે.