નવી દિલ્હી : અયોધ્યા મામલા પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી સુનાવણી ટાળવામાં આવી છે. તેના કારણે બંધારણીય ખંડપીઠના સદસ્ય જસ્ટિસ એસ. એ. બોબડેની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવામાં આવી રહ્યું છે. અયોધ્યા મામલા પર અત્યાર સુધી સાત દિવસની નિયમિત સુનાવણી થઈ ચુકી છે. સુનાવણી દરમિયાન રામલલા તરફથી સી. એસ. વૈદ્યનાથન દલીલો કરી રહ્યા છે. તેમના પહેલા નિર્મોહી અખાડા તરફથી સુશીલ જૈન અને રામલલા તરફથી કે. પરાસરન દલીલો આપી ચુક્યા છે. હવે આ મામલામાં આગામી સુનાવણી મંગળવારે 20મી ઓગસ્ટે હાથ ધરાશે.
શુક્રવારે રામલલાના વકીલ સી. એશ. વૈદ્યનાથને બાબરી મસ્જિદના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટને દર્શાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ખોદકામ દરમિયાન મળેલા સ્તંભોમાં શ્રીકૃષ્ણ, શિવતાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીરો દેખાઈ રહી છે. વૈદ્યનાથને કહ્યુ હતુ કે 1950માં ત્યાં થયેલા નિરીક્ષણ દરમિયાન પણ તમામ આવી તસવીરો અને સ્ટ્રક્ચર મળ્યા હતા. તેને કારણે તેને ક્યારેય એક કાયદેસરની મસ્જિદ માની શકાય નહીં. કોઈપણ મસ્જિદમાં આવા પ્રકારના સ્તંભ મળશે નહીં. માત્ર મુસ્લિમોએ ત્યાં ક્યારેય નમાજ કરી નથી, તેના કારણે વિવાદીત જમીન પર મુસ્લિમોનો હક બની જતો નથી.
સી. એસ. વૈદ્યનાથને કહ્યુ હતુ કે વિવાદીત જમીન પર મુસ્લિમોએ ક્યારેય નમાજ પઢી હોય, તો તેના કારણે તેમનો જમીન પર કબજો થઈ જતો નથી. જો ગલીમાં નમાજ પઢવામાં આવે છે, તો તેનો અર્થ એ નથી કે નમાજ પઢનારાઓનો ગલી પર કબજો થઈ ગયો. તેમણે કહ્યુ છે કે વિવાદીત સ્થાન પર ભલે પોતાના કબજાને યોગ્ય ઠેરવવા માટે તેને ક્યારેક મસ્જિદ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ શરિયત કાયદાની દ્રષ્ટિથી આ ક્યારેય કાયદેસરની મસ્જિદ રહી નથી. ત્યાં મળેલા સ્તંભો પર મળેલી તસવીરો ઈસ્લામિક આસ્થા અને વિશ્વાસને અનુરૂપ નથી. મુસ્લિમોની ઈબાદતના સ્થાન પર ક્યારેય આવી તસવીરો મળતી નથી. જસ્ટિસ બોબડેના પુછવા પર વૈદ્યનાથને જણાવ્યું કે તસવીર 1990માં લેવામાં આવી હતી.
બીજી તરફ અહેવાલ છે કે અયોધ્યામાં કારસેવકપુરમમાં પણ ગતિવિધિઓ અચાનક તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભવ્ય રામમંદિરના નિર્માણ માટે પથ્થરકામમાં ઝડપ આવી છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસના પ્રમાણે, રામમંદિરના નિર્માણમાં કામ આવનારા પથ્થરોનું નક્શીકામ ઝડપથી પૂર્ણ કરવા માટે રાજસ્થાનથી કારગીરોને બોલાવવામાં આવશે. કારસેવકપુરમમાં અચાનક વધેલી આ ગતિવિધિઓથી એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારે મંદિર પર પણ કોઈ રૂપરેખા ખેંચવાની શરૂ કરી દીધી છે. સૂત્રોનું માનીએ તો પથ્થરોનું 70 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. તેની મદદથી રામમંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવશે.