Site icon Revoi.in

અયોધ્યાઃ દેશવાસીઓની આતૂરતાનો અંત આવશે, જાન્યુ.2024માં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે

Social Share

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન રામ ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જવાની શકયતા છે અને 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામ લલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે. તેમની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા પણ યોજાશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, સત્તાવાર રીતે જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની યોજાયેલી બેઠકમાં બાંધકામના કામોની સમીક્ષા કરતી વખતે મંદિરમાં રામ લલાના બિરાજમાન  થવાના સમયનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે, મંદિરનો પ્રથમ માળ ડિસેમ્બર 2023 સુધીમાં બાંધવામાં આવશે. ગર્ભગૃહનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે, બાંધકામમાં રાજસ્થાન, હૈદરાબાદ અને અન્ય સ્થળોથી આયાત કરાયેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરમાં વધુ સાત મંદિરો બનાવવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે. રામલલા વર્ષ 2024માં મકરસંક્રાંતિના દિવસે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ સાથે જ અહીં તેમના દર્શન અને પૂજા શરૂ થશે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. રામજન્મભૂમિ સંકુલમાં હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ સ્થાન આપવામાં આવશે. રામ મંદિરનું લગભગ 30 થી 40 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના કામની શરૂઆત કરી હતી. મંદિરના ચબુતરાની તૈયારી કરવાની સાથે ગર્ભગૃહ પર મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

મંદિરનો પાયો તૈયાર થયા બાદ 21 ફૂટ ઉંચો માળ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. મંદિરના 70 એકરના સંકુલમાં વધુ સાત મંદિરો પણ બનાવવામાં આવશે. અહીં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ ઓગસ્ટ, નિષાદ રાજ, માતા શબરી અને જટાયુજીના મંદિરનું પણ નિર્માણ થશે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવશે.