અયોધ્યાઃ માનવ તસ્કરી રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, બાળકો પાસે મદરેસામાં અભ્યાસના નામે મજુરી કરાવાતી
લખનૌઃ અયોધ્યામાં માનવતસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 99 બાળકોને મુક્ત કરાવીને પાંચ મોલવીઓને ઝડપી લીધા હતા. તેમજ બાળકોને સહારનપુર મોકલી આપવામાં આવ્યાં હતા. બાળકોને મદરેસામાં અભ્યાસ કરાવવાના નામે તેમની પાસે મજુરી કરાવવાની સાથે પશુઓની જેમ માર મારવામાં આવ્યો હતો. પોલીસે પાંચેય મોલવીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, બિહારના અરરિયા જિલ્લાના કરહરા ગામના શબે નૂર બાળકોને અલગ-અલગ મદરેસામાં મોલવાનું કામ કરતો હતો. બાળકોને નૂરને મામુ કરીને બોલાવતા હતા. આરોપી સહારનપુર ઉપરાંત દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઔરંગાબાદ, બેંગ્લુરુ અને આઝમગઢના મદરેસાઓમાં બાળકોને મોલતો હતો, જેની સામે તેને મોટી રકમ મળતી હતી. સહારનુપરના દારુલ ઉલમ રફાકિયા મદરેસાના સંચાલક તૌસીફ અને દારે અક્રમનો રિઝવાન બાળકોને બસમાં લઈ જઈ રહ્યાં હતા, દરમિયાન આયોગે આ બાળકોને મુક્ત કરાવ્યાં હતા. બસમાંથી પાંચ મોલવીને ઝડપી લેવામાં આવ્યા હતા. કેટલાક બાળકોના માતા-પિતા અયોધ્યા આવી રહ્યાં છે, તેમની પાસેથી સોગંદનામુ લઈને બાળકો સોંપવામાં આવ્યાં છે.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મદરેસા સંચાલકો સોગંદનામુ તૈયાર કરવાતા હતા, જેમાં લખતા હતા કે, તમામ પ્રકારની જવાબદારી બાળકોની રહેશે, જો બાળકોના મોત થાય તો તેમાં સંચાલકોની જવાબદારી રહેશે નહીં, એટલું જ નહીં તેની ઉપર બાળકોની સહી પણ કરાવતા હતા. બાળકોએ મદરેસા જવાનો ઈન્કાર કર્યો હતો. 14 વર્ષના એક બાળકો કહ્યું હતું કે, મદરેસામાં માત્ર ધર્મની વાત થાય છે, જ્યારે બીજા બાળકે કહ્યું હતું કે, મારે ડોકટર બનવું છે અને મદરેસામાં રહીને કોઈ ડોકટર બની શકતું નથી. આયોગે જણાવ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પોલીસ અધિકારી અતુલ કમારે જણાવ્યું હતું કે, મૌલવીઓની પૂછપરછ કરવામાં આવશે. તેમજ વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.