અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરનો પરિસર વધારીને 108 એકર કરાશે
લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મંદિર પરિસરનો વિસ્તાર 67.703 એકરથી વધારીને 108 કરવા માટે વિચારણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં 108 આંકડાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ મંદિર પરિસરમાં વધારો કરવાની સહમતિ આપી છે. જેથી મંદિરની આસપાસ આવેલા વિસ્તારની જમીન સંપાદન કરવામાં આવશે. તેમ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલજીએ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંપાદીત 67.703 એકર જમીન ઉપર મંદિર નિર્માણની કામગીરી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટે આ જમીન પાસેના કેટલાક મંદિર અને જમીન ખરીદી હતી. જેથી શ્રીરામ જન્મભૂમિ પરિસરનો વિસ્તાર વધારી શકાય. કામેશ્વર ચૌપાલજીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટના મોટાભાગના સભ્યોનું માનવું છે કે, હિન્દુ ધર્મમાં 108ના આંકડાને પવિત્ર માનવામાં આવે છે. જેથી જન્મભૂમિ પરિસરનો વિસ્તાર વધારીને 108 કરવો જોઈએ. તમામને સાથે રાખીને જમીન સંપાદનની કામગીરી કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, શ્રી રામ મંદિરની ચારેય તરફ એક કિમી લંબાઈ પરકોટા બનાવવામાં આવી રહ્યો છે, આ પરકોટા 6 એકરના પરિધિમાં બની રહ્યો છે. જો વધારે જમીન સપાંદિત કરવામાં આવશે તો પરિધિ વધીને 8 એકર કરાશે. આ પરિપથમાં ગણેશજી મંદિર, માતા સીતાજી, જટાયુજી, નિષાદ રાજ, શબરીજી સહિત રામાયણ સંબંધિત મહાન વ્યક્તિઓના મંદિર બનશે. અહીં હિન્દુ ધર્મના ભગવાનોને સ્થાન આપવામાં આવશે.