1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. MBBS ડોક્ટર જેટલો પગાર આયુર્વેદ તબીબને મળી શકે નહીં, સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો
MBBS ડોક્ટર જેટલો પગાર આયુર્વેદ તબીબને મળી શકે નહીં, સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો

MBBS ડોક્ટર જેટલો પગાર આયુર્વેદ તબીબને મળી શકે નહીં, સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો

0
Social Share

અમદાવાદઃ એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપથી, એટલે કે તબીબીની ત્રણેય શાખાઓના ડિગ્રી ધારકો ડોકટર ગણાતા હોય છે. ત્રણેય શાખાઓમાં દવા અને ઉપચારની પદ્ધતિ અલગ-અલગ હોય છે. તબીબી સાયન્સમાં એલોપેથી એ વિશ્વભરના દેશોમાં સારવાર માટે અપનાવવામાં આવી રહી છે. એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીના સ્નાતકો કે અનુસ્નાતકોને સરકારી હોસ્પિટલમાં નોકરી મળતી હોય છે. પણ એલોપથી એટલે કે એમબીબીએસ ડીગ્રી ધારકો જેટલા પગાર આયુર્વેદ ડીગ્રીધારકોને મળતા નથી. આ મામલે કાનુની જંગ ખેલાયો હતો. સુપ્રીમ કોર્ટે સરકારી હોસ્પીટલ્સમાં કામ કરતા આયુર્વેદીક ડોકટર્સને એલોપેથી ફિઝીશયનની સમકક્ષ ગણવાના અને તેમના જેટલો જ પગાર આપવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના 2012ના ચુકાદાને પડકારતી અરજીઓની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય જાહેર કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે આયુર્વેદીક ફિઝીશિયન્સને એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોકટર્સ સમકક્ષ જ ગણવાનો ચુકાદો આપ્યો હતો. જો કે, તેને રદ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ‘આયુર્વેદીક ડોકટર્સ તેમજ વૈકલ્પિક કે સ્વદેશી ચીકીત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવું જરૂરી છે, પણ બંને કેટેગરીના ડોકટર્સ સરખું કામ કરતા નથી અને એટલે તેમને સમાન પગાર આપી શકાય નહીં.’ જજ વી. રામસુબ્રમણિયન અને જજ પંકજ મિઠલની બેન્ચે જણાવ્યું હતું કે, ‘એલોપેથી ડોકટર્સે ઈમરજન્સી ડયુટી કરવાની હોય છે. તેમણે ગંભીર ઈજાના કેસમાં પણ દર્દીને તાત્કાલીક સારવાર (ટ્રોમા કેર) આપવાની હોય છે. એલોપેથી ડોકટર્સ જે વિજ્ઞાનના ઉપયોગ અને આધુનિક મેડીકલ ટેકનોલોજીથી ઈમરજન્સી સારવાર આપે છે તે આયુર્વેદીક ડોકટર્સ આપી શકતા નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ‘આયુર્વેદીક ડોકટર્સ માટે જટિલ સર્જરીમાં સર્જનની સહાય કરવાનું પણ શકય નથી. જયારે એમબીબીએસ ડિગ્રી ધરાવતા ડોકટર્સ આવું કરી શકે છે.’ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ‘અમારો અર્થ એવો નથી કે એક ચિકિત્સા પદ્ધતિ અન્યની તુલનામાં ચડીયાતી છે. એ અમારું કામ પણ નથી. અમે માત્ર મેડીકલ સાયન્સની બંને સિસ્ટમના ગુણોની તુલના કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે આયુર્વેદનો ઈતિહાસ ઘણી શતાબ્દીઓ જુનો છે. દરેક વૈકલ્પિક ચીકીત્સા પદ્ધતિ ભવ્ય વારસો ધરાવે છે તેમાં અમને કોઈ શંકા નથી. જો કે, આજે સ્વદેશી ચીકીત્સા પદ્ધતિના ડોકટર્સ જટિલ સર્જીકલ ઓપરેશન કરી શકતા નથી. એવી રીતે પોસ્ટ-મોર્ટમ કે ઓટોપ્સી પણ આયુર્વેદીક ડોકટર્સ દ્વારા કરાતી નથી. એટલે આયુર્વેદનું મહત્વ જાણવા છતાં આપણે એ ન ભુલી શકીએ કે બંને કેટેગરીના ડોકટર્સ સમાન કામ કરતા નથી અને એટલે સમાન પગાર માટે હકદાર નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code