અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107% સિદ્ધિ મેળવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીકન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્દર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂંક કરી છે. આ કેન્દ્રોના માધ્યમથી 7,83,06,876 લાભાર્થીઓએ ઓપીડીનો લાભ લીધો છે. તેમાં 7,18,65,712 લાભાર્થીઓને આ સેન્ટર્સમાં દવાની સુવિધા પૂરી પડાઈ હતી.