આઝાદ ભારતની પહેલી ભૂલ: કટોકટી નહીં, પણ તેમાં આરએસએસની કેડરને નિશાન બનાવવી ઈન્દિરા ગાંધીની ભૂલ કેમ હતી?
નવી દિલ્હી: કટોકટી લાગુ કરવી ભારતીય લોકશાહીના ઈતિહાસમાં કલંકીત ઘટના છે. પરંતુ કટોકટી કરતા પણ મોટી ભૂલ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી. આ ભૂલ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેડરને નિશાન બનાવવી અને તેમને જેલમાં પુરી દેવા. ઈન્દિરા ગાંધી 1977માં કટોકટી ઉઠાવાયા બાદ જનતા મોરચાની સામે હારી ગયા. પણ ત્રણ વર્ષની અંદર જનતા મોરચો તૂટયો અને ઈન્દિરા ગાંધીએ ભારે બહુમતી સાથે સત્તામાં વાપસી કરીી હતી. ઈમરજન્સી બાદના 46 વર્ષોમાંથી 25 વર્ષ કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી. તેનો અર્થ છે કે ઈમરજન્સીવાળી ભૂલને લોકો ભૂલી ગયા અથવા તો ઈન્દિરા ગાંધીને માફ કરી દીધા.
પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવવાનું ઈન્દિરા ગાંધીને ભારે પડયું. આની અસર લાંબો સમય સુધી જોવા મળી. સૌથી પહેલા તો એક રાજકીય શક્તિ તરીકે આરએસએસ અને તેની પોલિટિકલ ફ્રન્ટ પહેલા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીને ઈન્દિરા ગાંધીએ માન્યતા આપી દીધી અને કોંગ્રેસના મુખ્ય વૈચારીક પ્રતિસ્પર્ધીનો દરજ્જો આપી દીધો. અહીં સુધી કોંગ્રેસને વિચારધારા સામે લડવાની જરૂર પડી ન હતી અને કોંગ્રેસની સ્થિતિ કુલ મળીને દેશભરમાં 1947થી લઈને 1977 સુધી બેહદ મજબૂત હતી. આમ તો બેઠકોની દ્રષ્ટિએ 1984માં કોંગ્રેસે સૌથી વધુ 400થી વધારે બેઠકો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો. પરંતુ તેમાં ઈન્દિરા ગાંધીની હત્યાના સિમ્પથી વેવની મોટી ભૂમિકા હતી.
કટોકટી વખતે કોંગ્રેસમાં જ રુઢિવાદી, દક્ષિણપંથી, ઉદારવાદી મૂડીવાદના સમર્થક, ડાબેરી વિચારધારાના લોકો હતા. પરંતુ આરએસએસના ગુમનામ લોકોને મોટી સંખ્યામાં એરેસ્ટ કરવાને કારણે સંઘના કાર્યકર્તાઓ માટે વ્યાપક સમ્માન અને કેટલીક હદે શક્તિ પણ મળી હતી. સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણે પણ આરએસએસની કેડરને જન-આંદોલનમાં આગળ કરી હતી.
જનસંઘે ભારતીય જનતા પાર્ટીનું નવું સ્વરૂપ ધારણ કર્યું. બાદના દશકાઓમાં કોંગ્રેસ નબળી પડતી ગઈ અને તેની એકમાત્ર વૈચારિક પ્રતિસ્પર્ધા ભાજપ સાથે જ રહી. જો ઈન્દિરા ગાંધીએ આરએસએસને નિશાન બનાવવાની ભૂલ કરી ન હોત, તો અટલ બિહારી વાજપેયી પહેલા 13 દિવસ, પછી 13 માસ અને ત્રીજીવાર આખી ટર્મ માટે વડાપ્રધાન બની શક્યા ન હોત. તેનાથી પણ આગળ ઈન્દિરા ગાંધીએ સંઘને નિશાન બનાવવાની ભૂલ ન કરી હોત, તો 2014 અને 2019માં ભારે બહુમતી સાથે ભાજપની જીત અને સતત બે વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શક્યા ન હોત. ઈન્દિરા ગાંધીની ભારે પડેલી ભૂલ ફરી એકવાર કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવે તેવી પ્રબળ શક્યતાઓ 2024ની ચૂંટણીમાં પણ આકાર લઈ ચુકી છે.