આઝાદ ભારતની ત્રીજી ભૂલ : 2004માં ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયાએ ભાજપનો રાજકીય રંગ ઝાંખો પાડયો
નવી દિલ્હી: જાન્યુઆરી, 2004 સુધીમાં ત્રણ મહત્વના હિંદી બેલ્ટના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના કારણે આની અસર અન્ય રાજ્યોમાં થવાની ગણતરીઓ થવા લાગી હતી. પ્રમોદ મહાજનના નેતૃત્વમાં પાર્ટીના વ્યૂહરચનાકારો અને અડવાણી સમર્થકોએ નિર્ણય કર્યો હતો કે ચૂંટણી સમયથી પહેલા યોજવી જોઈએ અને લહેરનો લાભ ઉઠાવવો જોઈએ. આમા શંકા જાહેર કરનારા એકમાત્ર વ્યક્તિ અટલ બિહારી વાજપેયી હતા. પરંતુ તેઓ પાર્ટીના સ્ટેન્ડ સામે લઘુમતીમાં હતા.
ત્યારે વાજપેયીના કથળતા સ્વાસ્થ્યને કારણે તઓ વધુમાં વધુ પાંચ વર્ષ સક્રિય રહે તેવી શક્યતાઓની ચર્ચા હતી. વાજપેયી પછી અડવાણી આસાનીથી તેમના ઉત્તરાધિકારી બની જવાના હોવાનું માનવામાં આવતું હતું. તે સમયે ભારતે ત્રિમાસિક સમયગાળામાં સરેરાશ 8 ટકાનો આર્થિક વિકાસદર પ્રાપ્ત કર્યો હતો. જેને કારણે ઈન્ડિયા શાઈનિંગ મુહિમના શરૂ કરવાના પુરતા કારણો મળ્યા હતા.
આ જોશમાં વહેલા ચૂંટણી કરાવી હતી અને તેમાં ગઠબંધનના ઘટકદળો સાથે તાલમેલમાં પણ ગ઼ડબડ થવા લાગી હતી. જેના કારણે ભાજપને 2004માં કોંગ્રેસ કરતા સાત ઓછી બેઠકો એટલે કે 138 બેઠકો જ મળી હતી. 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓ બાદ કેટલાક મુખ્ય પ્રાદેશિક પક્ષોમાં ભાજપ પ્રત્યે રાજકીય અસ્પૃશ્યતાની ભાવના ફરીથી સપાટી પર આવી હતી.
જેના કારણે કોંગ્રેસ એક દશક બાદ સત્તામાં આવી અને અડવાણી તથા તેમના સાથીદારોના રાજકીય કરિયર પર વિરામ લાગી ગયું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાની તૈયારીઓ શરૂ કરી અને તેમને રાષ્ટ્રીય રાજનીતિની ક્ષિતિજ પર સૂર્ય બનીને ઉદય થવાની તક પણ સાંપડી.