અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ 75 દિવસ માટે પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 250 કરોડ રૂપિયા જેવી આવક થવાનો અંદાજ છે. આ યોજના ચાલુ વર્ષ 2022-23 રકમ ઉપર લાગુ પડશે નહીં. શુક્રવારે મળેલી રેવન્યૂ કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયા બાદ 8 ઓગસ્ટથી યોજના લાગુ પડશે. 21 ઓક્ટોબર સુધી લાભ લઈ શકાશે.
એએમસીના રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવને લઈ 75 દિવસ માટે પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી અપાશે. 8 ઓગસ્ટથી 21 ઓક્ટોબર સુધી એટલે કે 75 દિવસના સમયગાળા સુધી AMCના તમામ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોની વર્ષ 2021-22ની રકમ પૂરેપૂરી ભરાય અને બાકી રકમ શૂન્ય થાય તો જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાની તમામ વ્યાજમાં 75 ટકા માફી આપવામાં આવશે. આ યોજનાના પ્રચાર-પ્રસાર માટે ટેક્ષ તથા પબ્લિસિટી ખાતામાંથી પબ્લિસિટી પ્લાન અંતર્ગત વર્તમાનપત્રોમાં નિયમિત જાહેરાત, હોર્ડિંગ્સ, બેનર્સ, પત્રિકા, રિક્ષા પ્રચાર તેમજ સોશિયલ મીડિયામાં મહત્તમ પબ્લિસિટી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક કોરોના મહામારીમાં અસરગ્રસ્ત શહેરના નાગરિકોએ આર્થિક નુકસાન ભોગવ્યું છે. જે ધ્યાને રાખી કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત નાગરિકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભૂતપૂર્વ તક આપવામાં આવી રહી છે. ટેક્સ ખાતામાં ઘણીવાર ટેકસ અંગે વિવાદના કારણે કોર્ટ મેટરો થાય છે અને અમુક કિસ્સાઓમાં ઘણા વર્ષોથી કોર્ટ-મેટરો પેન્ડિંગ રહે છે. આ યોજનાના અનુસંધાને આશા છે કે, ઘણા લાંબા સમયથી ચાલતા આવા કોર્ટ મેટરોનો પણ ઝડપી અંત આવશે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, હાલમાં ચાલુ વર્ષમાં ટેક્ષ ખાતામાં વિવિધ પ્રકારની કુલ 57000 જેટલી અરજીઓ આવેલી છે. બાકી ટેક્સની રકમ ઉપ૨ 18 ટકા જેટલી માતબર દરે વ્યાજ લેવાની જોગવાઇ છે. પરંતુ આ યોજનાના સમયગાળા અંતર્ગત આ વ્યાજમાં 75 ટકા રાહત આપવામાં આવશે. એટલે કે ફક્ત 4.5 ટકા વ્યાજ દર હશે. જેના કારણે ટેક્સ ખાતામાં ચાલતી આ 57000 અરજીઓ પૈકી મોટા ભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ થઇ શકશે. ઉપરાંત, આ યોજનાના સમયગાળા દરમિયાન ટેક્ષની તમામ પ્રકારની બાકી અરજીઓના ઝડપી નિકાલ માટે તમામ ઝોનલ ઓફિસોમાં અરજી નિકાલ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમજ મોટા બાકીદારો સામે સીલ સુધીના રિક્વરીના કડક પગલાં પણ લેવામાં આવશે.