Site icon Revoi.in

આઝાદી કા અમૃત મહોત્સવઃ સમગ્ર દેશમાં આ સ્થળ પર સૌથી વધુ ઉંચાઈએ લહેરાઈ રહ્યો છે તિરંગો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એટલું નહીં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુઘી તિરંગા અભિયાન યોજાશે.  સરકાર દ્વારા લોકોને રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. ભારતમાં સૌથી વધુ ઉંચાઈએ કર્ણાટકના બેલગામમાં રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. બેલગામમાં 110 મીટર એટલે કે 361 ફુટની ઉંચાઈ ઉપર લહેરાઈ રહેલો તિરંગો ભારતની આન, બાન અને શાનની ગાથા વ્યક્ત કરે છે.

પંજાબમાં અટારી બોર્ડર ઉપર 360 ફુટની ઉંચાઈ ઉપર તિરંગો લહેરાઈ રહ્યો છે. એનએચઆઈએ તેની ઉંચાઈ વધુ 100 ફુટ વધારવાની મંત્રાલય પાસે મંજૂરી માગી હતી. જે મળી ચુકી હોવાથી તેની ઉંચાઈ વધારીને 460 ફૂટ થઈ જશે. આમ આગામી દિવસોમાં અટારી બોર્ડર ઉપર સૌથી વધુ ઉંચાઈ ઉપર ભારતીય તિરંગો લહેરાશે. ગુવાહાટીમાં 330 ફુટની ઉંચાઈ ઉપર તિરંગો લહેરાઈ રહ્યો છે. આવી જ રીતે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસ હેડક્વાટર્સ ઉપર 303 ફુટની ઉંચાઈ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો છે.

ઝારખંડના રાંચી ખાતે પહાડી મંદિર પાસે 293 ફુટ, છત્તીસગઢના રાયપુરમાં તેલી બાંધા તળાવ પાસે 269 ફુટ, હરિયાણાના ફરીદાબાદમાં 250 ફુટ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં 246 ફુટ, મધ્યપ્રદેશના ભોપાલમાં સ્થિત મંત્રાલય સામે આવેલા વલ્લભભાઈ પટેલ પાર્કમાં 237 અને દેશની રાજધાની દિલ્હીમાં કર્નાટ પ્લેસ ખાતે 207 ફુટની ઉંચાઈ ઉપર હાલ તિરંગો લહેરાઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.