આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા
નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને મુક્ત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની યોજનાના ભાગરૂપે ગરીબ અથવા જરૂરિયાતમંદ કેદીઓ કે જેઓ તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે પરંતુ ભંડોળની અછતને કારણે દંડ ન ભરવા માટે હજુ જેલમાં છે, તેમને પણ દંડમાંથી મુક્તિનો લાભ આપવામાં આવશે. જેમણે 18 થી 21 વર્ષની વય વચ્ચે ગુનો કર્યો છે અને તેમની સામે અન્ય કોઈ ફોજદારી કેસ નથી, તેમને પણ વિશેષ મુક્તિ આપવા માટે વિચારણા કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અને એક્સપ્લોઝિવ એક્ટ, નેશનલ સિક્યુરિટી એક્ટ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને એન્ટી હાઇજેકિંગ એક્ટ હેઠળ દોષિત ઠરેલા કેદીઓ સિવાય માનવ તસ્કરીના દોષિત કેદીઓને પણ આ છૂટ આપવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની જેલોમાં 4.03 લાખ કેદીઓને રાખવાની ક્ષમતા છે, જ્યારે હાલમાં જેલોમાં લગભગ 4.78 લાખ કેદીઓ છે, જેમાંથી લગભગ એક લાખ મહિલાઓ છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે આ પાત્રતા માપદંડોને પૂર્ણ કરનારા કેદીઓને ત્રણ તબક્કામાં 15 ઓગસ્ટ, 2022, 26 જાન્યુઆરી, 2023 અને 15 ઓગસ્ટ, 2023ના રોજ મુક્ત કરવામાં આવશે.