બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી, પતંજલિની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે મામલો
નવી દિલ્હી: પતંજલિની ભ્રામક જાહેરાતોના પ્રકાશનના મામલામાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના પ્રબંધ નિદેશક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે.
મામલાને લઈને તાજેતરમાં કોર્ટે બંનેને તલબ કર્યા હતા. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે આયુર્વેદિક કંપની પતંજલિએ ભ્રામક વિજ્ઞાપનોના સતત પ્રકાશન પર જાહેર કરવામાં આવેલી કોર્ટના અનાદરની નોટિસનો જવાબ આપ્યો નથી.
ગત વર્ષ નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ સક્ષ આપવામાં આવેલા આશ્વાસનના ઉલ્લંઘન પર 27 ફેબ્રુઆરીએ ખંડપીઠના આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ વિરુદ્ધ અવગણના કાર્યવાહી શરૂ કરી હતી. ખંડપીઠમાં જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ પણ સામેલ હતા.
પતંજલિએ પહેલા સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તે પોતાના ઉત્પાદનની ઔષધીય અસરકારતાના દાવા કરનારા કોઈ નિવેદન નહીં આપે અથવા કાયદાકીય ઉલ્લંઘન કરતા તેમના વિજ્ઞાપન અથવા બ્રાંડિંગ નહીં કરે. કોઈપણ પ્રકારે મીડિયામાં ચિકિત્સાની કોઈપણ પ્રણાલી વિરુદ્ધ કોઈ નિવેદન જાહેર નહીં કરે.
પોતાની અરજીમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડ્રગ્સ એન્ડ મેજિક રેમિડિઝ (વાંધાજનક વિજ્ઞાપન) અધિનિયમ 1954ના ઉલ્લંઘન બદલ પતંજલિની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. યોગગુરુ અને પતંજલિના સંસ્થાપક બાબા રામદેવની વિરુદ્ધ કોવિડ-19ના એલોપેથિક ઉપચાર વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટીપ્પણીઓને લઈને ઘણાં રાજ્યોમાં કેસ નોંધાયા છે.