Site icon Revoi.in

બાબા સાહેબ ઓપન યુનિ. દ્વારા વિદેશમાં સેન્ટરો ખોલીને બાળકોને ગુજરાતી-સંસ્કૃત ભાષા શીખવશે

Social Share

અમદાવાદઃ વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારના બાળકોને ગુજરાતી અને સંકૃત ભાષાનું શિક્ષણ મળી રહે તે માટે બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા વિદેશમાં શિક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોના બાળકોને ગુજરાતી શીખવવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સ ઓનલાઈન ભણાવાશે,

સૂત્રોના જણાવ્યા મુજબ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા શ્રીલંકા, નેપાળ, મોઝામ્બિક, સાઉથ કોરિયા અમેરિકા સહિત વિવિધ દેશોમાં પોતાનું સેન્ટર શરૂ કરાશે. ઓપન યુનિવર્સિટી હવે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીય અને ગુજરાતી લોકોના અભ્યાસ માટે મદદ કરશે. ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતી પરિવારનાં બાળકો માટે ગુજરાતી શીખવવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સ શરૂ કરશે. આ માટેની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબા, ક્લાસિકલ ડાન્સ અને સંગીતની સાથે પોતાની ભાષા, સાહિત્ય અને પરંપરા વિશે નવી પેઢી પણ જ્ઞાન મેળવે તે માટે ઉત્સાહ હોય છે, જેને ધ્યાનમાં રાખીને ઓપન યુનિવર્સિટીનું સેન્ટર હવે વિદેશોમાં પણ શરૂ કરાશે.

બાબસાહેબ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતી લોકો તરફથી જણાવાયું હતું કે, ગુજરાતી બાળકો ગુજરાતી શીખે તે માટે કોઈ કોર્સ શરૂ થાય, જેથી બાળકો પોતાની સંસ્કૃતિ વિશે જાણે. આમ હવે વિદેશમાં પણ અમે માહિતી સેન્ટર શરૂ કરીશું. બાળકો ઓનલાઇન કોર્સ કરી શકશે. અમે પહેલા સાર્ક દેશોમાં સેન્ટર શરૂ કરીશું. ત્યાર બાદ તબક્કાવાર અમે અન્ય દેશોમાં પણ સેન્ટર શરૂ કરીશું. 30 વર્ષ બાદ આંબેડકર યુનિવર્સિટીને 12 બીનું સર્ટિફિકેટ મળ્યું છે, જેના કારણે હવે યુનિવર્સિટીને યુજીસીની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિ. રિસર્ચ પ્રોજેક્ટ માટે કરી શકાશે. ઘણી વાર ગ્રાન્ટના અભાવે સારા રિસર્ચ પ્રોજેક્ટ થઈ શકતા નથી. હવે યુજીસીની ગ્રાન્ટને કારણે યુનિ. પોતાના વિદ્યાર્થીઓ પાસે રિસર્ચ પ્રોજેક્ટ કરાવી શકશે.