Site icon Revoi.in

બાબા સિદ્દીકી મર્ડરઃ શૂટર શિવકુમારે હત્યા બાદ કુર્લાથી પકડી હતી ટ્રેન, રસ્તામાં ફેંકી દીધો મોબાઈલ

Social Share

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ 12 ઓક્ટોબરે ગુનો આચર્યા બાદ 20 મિનિટ સુધી ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌતમ કપડાં બદલીને ઘટનાસ્થળે પાછો ફર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, “તેણે તેનું શર્ટ, પિસ્તોલ અને આધાર કાર્ડ મુકેલી બેગ સ્થળ પર ફેંકી દીધી હતી.” ગોળીબાર બાદ તેણે જોયું કે લોકો ગભરાઈ ગયા હતા અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં આવી ગયા હતા અને પોલીસ ગુનેગારો વિશેની કડીઓ માટે નજીકમાં ઉભેલા લોકોની પૂછપરછ કરી રહી હતી.” અધિકારીએ કહ્યું કે તેણે એ પણ જોયું કે તેના બે સાથીદારોને ત્યાંથી પકડવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે ગૌતમ પણ બાબાના મૃત્યુની પુષ્ટિ કરવા માટે ઓટોરિક્ષામાં લીલાવતી હોસ્પિટલ ગયો હતો અને તે રાત્રે 10:47 વાગ્યે કુર્લા રેલવે સ્ટેશન માટે રવાના થયો હતો. ટ્રેનમાં ચડ્યા બાદ તેણે પોતાનો મોબાઈલ ફોન ક્યાંક ફેંકી દીધો હતો. પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ગોળી વાગ્યા બાદ સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, પંજાબના સરહદી ગામમાંથી ધરપકડ કરાયેલ શંકાસ્પદને આ કેસમાં તેની ભૂમિકા જાહેર ન થયા પછી છોડી દેવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને જાણવા મળ્યું કે વોન્ટેડ આરોપી શુભમ લોંકર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો.