સુરેન્દ્રનગરમાં 600 ફુટ ઊંડા બોરવેલમાં બાળકી ખાબકી, બચાવ કામગીરી શરૂ કરાઈ
અમદાવાદઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક બાળકી 600 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બોરવેલમાં પડેલી બાળકીને બચાવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ગાજણવાવ ખાતે ખેતરમાં રમતા-રમતા બાળકી બોરવેલમાં ખાબકી હતી. 600 ફુટ ઉંડા બોરવેલમાં બાળકી ખાબકી હોવાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બોરવેલમાં બાળકી ફસાઈ હોવાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો બનાવ સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બાળકી 60થી 70 ફુટે ફસાઈ હોવાનું સામે આવ્યું છે. બોરવેલમાં ફસાયેલી બાળકીનું નામ મનિષા હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક તંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે લશ્કરની મદદ માંગવામાં આવી હતી. જેથી આર્મીના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. બાળકીની પરિસ્થિતિ જાણવા મળે અંદર કેમેરા ઉતારવાની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.