રાજકોટઃ ગુજરાતમાં કેટલાક સનદી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મલાઈદાર પોસ્ટિંગ મેળવવા માટે સત્તાધારી પક્ષના કહ્યાગરા બની જતા હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જ કેટલાક અધિકારીઓ ભાજપના કાર્યકર્તા બનીને કામ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને આપ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે, બન્ને પક્ષ પ્રજાને છેતરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના વડાપ્રધાનના કાર્યક્રમનો અંદાજીત 300 કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે.આ ખર્ચો પ્રજાના રૂપિયે કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાને દેશના હિતમાં કામ કરવાનું હોય છે નહીં કે પ્રજાના પૈસે ભાજપનો પ્રચાર કરવાનો ?, જે રાજ્યોમાં ચૂંટણીઓ આવી હતી ત્યાં ગેસના સિલિન્ડર પર સબસીડી આપવાની જાહેરાત કરી હતી.આવી જ જાહેરાત ગુજરાત સરકારે પણ બે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભામાં રૂ.500માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવી જોઈએ. માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત ન કરવી જોઈએ. વડાપ્રધાન અત્યાર સુધીમાં 4 વખત ગુજરાત આવી ચુક્યા છે.વહીવટી તંત્રના અધિકારીઓનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.IPS અને IAS અધિકારીઓને ભાજપના કાર્યકરો બનાવી દીધા હોય તેવી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે.આંગણવાડી અને શિક્ષકોને શિક્ષણ અને આંગણવાડીના કામ પડતા મૂકી સભાના કામમાં 5 દિવસથી જોડી દેવામાં આવ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કમિટી દિલ્હી ગઈ છે. થોડા સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. મને પણ પક્ષાંતર માટે દબાણ કરાયું હતું. પણ હું જેલમાં જવા તૈયાર છું પણ ભાજપમાં જવાનો નથી.વડાપ્રધાને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના સામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા.તેમ છતાં કોંગ્રેસની કામગીરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે.કોંગ્રેસ જાગી ચુકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે તે જાણી ગયા છે.