- બર્ફીલા પવનો વચ્ચે દિલ્હી ધુમ્મસમાં
- પ્રદુષણ વધવાથી ફરી બગડી હવા
- AQI 343 પર પહોંચ્યો
દિલ્હી:રાજધાનીમાં ફરી એકવાર પ્રદૂષણ વધ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદના કારણે લોકોને પ્રદૂષણથી રાહત મળી હતી,પરંતુ હવે ફરીથી રાજધાનીની હવા ખરાબ થઈ ગઈ છે.એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) બુધવારે સવારે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા (AQI) ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં 343 નોંધાઈ હતી. તો, નોઈડામાં હવાની ગુણવત્તા 358ની ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં હતી.નોઈડા ઉપરાંત ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા 313 નોંધાઈ હતી.
દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે.બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી રહી હતી.
ફેબ્રુઆરીમાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય તાપમાનથી નીચે રહેવાની અપેક્ષા છે,જ્યારે પંજાબ અને હરિયાણામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.ભારતીય હવામાન વિભાગની ફેબ્રુઆરી માટે વરસાદ અને તાપમાનની માસિક આગાહી અનુસાર, પંજાબ અને હરિયાણાના મોટાભાગના ભાગોને બાદ કરતાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.