જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે. ત્યાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આ અથડામણમાં સેનાના ચાર જવાનોના ઘાયલ થવાના પણ અહેવાલ છે. આ એન્કાઉન્ટર બડગામના સુત્સુ ગામમાં થયું છે.
આતંકવાદીઓના છૂપાયેલા હોવાના અહેવાલ બાદ સુત્સુ ગામમાં સેનાના જવાનોએ ઘેરાબંધી કરી હતી. આ અથડામણ બાદ હજીપણ ફાયરિંગ અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે. હાલ આ મામલામાં વધુ જાણકારી સામે આવી નથી.
જમ્મુ-કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ગુરુવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષાદળોએ હથિયારો પણ જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના કેલ્લરમાં ગુરુવારે સવારે શરૂ થયું હતું.
જણાવવામાં આવે છે કે સુરક્ષાદળોએ આતંકવાદીઓને શોપિયાંના કેલ્લરમાં હોવાના ઈનપુટ્સના આધારે કાર્યવાહી કરી હતી. બાદમાં સીઆરપીએફ, સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહી હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેના કારણે સુરક્ષાદળો દ્વારા પણ વળતી કાર્યવાહી કરીને ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે આના પહેલા બુધવારે પણ શોપિયાંમાં એન્કાઉન્ટર થયું હતું. ત્યાં સીઆરપીએફ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.