અમદાવાદ: ભાર વિનાના ભણતરની તો વર્ષોથી ચર્ચા થઈ રહી છે. પ્રથામિક શાળાઓમાં બાળકોને તમામ વિષયોના પાઠ્ય-પુસ્તકો, લેખન પોથી અને નોટ્સબુક, કંપાસ બોક્સ લઈ જવાની ફરજ પાડવામાં આવે છે. તેથી સ્કૂલબેગનું વજન એટલુ હોય છે. કે બાળકો તેને ઉંચકી પણ શકતા નથી. હવે નવું શૈક્ષણિક સત્ર શરુ થતાની સાથે જ ભણતરના ભારનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રમાં શિક્ષણ મંત્રાલયે બાળકોના ભણતરનો બોજ ઘટાડવા અને ભણતરને વધુ આનંદદાયી બનાવવાનો પ્રયોગ કરવાની યોજના ઘડી કાઢી છે. શાળામાં બેગલેસ દિવસનો અમલ કરાશે. જોકે, બાળકોના ભણતરના ભારને મુક્ત કરવાનો આ પ્રયોગ દરેક રાજ્યોમાં કેટલો સફળ થશે તેના પર સવાલો જરુરથી ઉઠી રહ્યાં છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં રાજ્યોને કેન્દ્ર સાથે મળી દેશની શિક્ષણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા હાકલ કરી હતી. શિક્ષણ મંત્રાલયે શાળાઓમાં બેગલેસ ડેના અમલની એનસીઈઆરટી દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગદર્શિકાની સમીક્ષા પણ કરી હતી. માર્ગદર્શિકા અંતર્ગત શાળાઓમાં બેગલેસ ડે લાગુ કરી શાળાના ભણતરને વધુ આનંદમયી, પ્રયોગાત્મક અને તણાવમુક્ત બનાવવાનો પ્રયાસ કરાશે. નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ધોરણ 6થી 8 સુધી તમામ વિદ્યાર્થીઓને 10 દિવસના બેગલેસ ગાળામાં અમલ માટે ભલામણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે વિવિધ સ્કિલ્સ ધરાવતા નિષ્ણાતો હેઠળ તાલિમ મેળવશે.
સૂત્રોના કહેવા મુજબ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા ભણતરનો ભાર હળવો કરવાનો આ પ્રયોગ કેટલો સફળ થશે તેની ચર્ચા જરુરથી થઈ રહી છે. કારણ કે, આ પહેલીવાર નથી બાળકોના બેગમાંથી શિક્ષણનો ભાર હળવો કરવાનો કે પછી બેગ શાળાએ નહિ લાવવાના અગાઉ અનેક પ્રયોગો થઈ ચૂક્યા છે. પરંતુ તે પ્રયોગ સફળ થયા નથી અને એ જ કારણ છે કે આજે પણ બાળકોના દફ્તરમાં વજન વધી રહ્યું છે.