Site icon Revoi.in

દેવગઢ બારીયાના બૈણા ગામે પાનમ નદીના પૂરમાં ટ્રેકટર સાથે બે લોકો ફસાતા રેસ્ક્યુ કરાયું

Social Share

દેવગઢ બારિયાઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના બૈણ ગામે પાનમ નદીમાં પૂર આવતા  ટ્રેકટર સાથે બે લોકો નદીના ધસમસતા પૂરમાં ફસાયા હતા.જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને નદીમાં દોરડા ફેંકીને ટ્રેકટરચાલક સહિત બન્ને લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીબીની મદદથી ટ્રેકટરને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

દેવગઢ બારિયાના બૈણા ગામની પાનમ નદીમાં પૂર આવતા ટ્રેકટર ચાલક ફસાતા સૌ કોઈના જીવ અધ્ધર થયા હતા. ટ્રેકટરનો ચાલક સહિત અન્ય એક વ્યકિતને ગ્રામજનોએ રેસ્ક્યૂ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં એકાએક પુર આવતા એક ટ્રેક્ટર જે નદીમાં રેતી ભરવા માટે ગયું હતું તે ભરીને બહાર આવે તે પહેલા જ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ટ્રેક્ટર ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરની ચારે તરફ પૂરના પાણી ફરી વળતા ટ્રેક્ટર નદીમાં રેતી ભરવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાંથી તણાઈને થોડે દૂર સુધી જતું રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય એક ઇસમ એમ બંને જણ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઉભા થઈ ગયા હતા જે બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ગ્રામજનોએ એક ઇસમ ને ટ્રેક્ટરમાંથી બહાર કાઢી લીધો હતો જ્યારે નજીકમાં જ રેતીનુ ખોદકામ કરતાં જેસીબી મશીન દ્વારા ટ્રેક્ટરના ચાલક સહિત ટ્રેકટરને પણ બહાર કાઢી લેતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો