RSSના નાગપુર ખાતેના સ્મૃતિ મંદિર પહોંચ્યા દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજ, ડૉ. હેડગેવાર અને શ્રીગુરુજીને આપી શ્રદ્ધાંજલિ
- રાહુલ બજાજ આરએસએસના સ્મૃતિ મંદિરે પહોંચ્યા
- હેડગેવાર અને ગોલવલકરને આપી શ્રદ્ધાંજલિ
- નાગપુર સંઘના મુખ્યમથકની મુલાકાતે ગયા ન હતા
મોટા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજ રવિવારે નાગપુર ખાતે આરએસએસના સ્મૃતિ મંદિર પહોંચ્યા હતા. રાહુલ બજાજે અહીં આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર અને તેમના પછી સંઘના દ્વિતિય સરસંઘચાલક બનનારા એમ. એસ. ગોલવલકર ઉપાખ્ય શ્રીગુરુજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બજાજ અહીં એક કલાકથી વધારે સમય સુધી રોકાયા અને તેમણે આરએસએસના સ્થાનિક પદાધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.
નાગપુર મહાનગરના આરએસએસ પ્રમુખ રાજેશ લોયાએ કહ્યુ છે કે હું તેમને જાન્યુઆરીમાં ગાંધીવાદી નેતા જસ્ટિસ ચંદ્રશેખર ધર્માધિકારીના અંતિમ સંસ્કાર દરમિયાન મળ્યો હતો. ત્યારે મે તેમને દરખાસ્ત કરી હતી કે તેઓ સ્મૃતિ મંદિર આવે. તે વખતે તેઓ ઉતાવળમાં હતા, પરંતુ તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં જરૂર આવશે. તેમણે ગત સપ્તાહે મને કૉલ કરીને સૂચિત કર્યો કે તેઓ રવિવારે આવશે. તેઓ આવ્યા અને તેમણે ડૉ. હેડગેવાર અને ગોલવકરજીના સ્મારકો પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે દોઢ કલાક સુધી અમારી સાથે વાતચીત કરી.
રાહુલ બજાજની સ્મૃતિ મંદિર ખાતેની મુલાકાત દરમિયાન આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશી શહેરમાં ન હતા. જો કે બજાજ નાગપુર ખાતેના આરએસએસ મુખ્યમથક ખાતે ગયા ન હતા. અહીં ભાગવત અને જોશીનું નિવાસસ્થાન છે. બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઉદ્ઘાટન મટે વર્ધા જતી વખતે આરએસએસના સ્મૃતિ મંદિર આવ્યા હતા. આ સંસ્થાની શરૂઆત શિક્ષણ મંડળ તરફથી કરવામાં આવી છે, તે બજાજના વડપણ હેઠળ ચાલતું એક શૈક્ષણિક સંગઠન છે.
રાહુલ બજાજ 2006માં ભાજપ, શિવસેના અને એનસીપીના સમર્થનથી મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ ચુક્યા છે. તો આરએસએસ વખતોવખત અલગ-અલગ વિચારધારાના લોકોને પોતાના કાર્યક્રમોમાં બોલાવતું રહે છે. 2017માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આરએસએસના કાર્યક્રમમાં આવી ચુક્યા છે. તેમની મુલાકાત વખતે સારો એવો રાજકીય વિવાદ પણ થયો હતો. તો રતન ટાટા પણ બે વખત ડિસેમ્બર – 2016 અને આ વર્ષે એપ્રિલમાં આરએસએસના મુખ્યમથક ખાતે આવી ચુક્યા છે. આ બંને પ્રસંગે તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.