બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
મુંબઈ:ભારતના પુરૂષ કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ ફરી એકવાર દેશની ઝોલીમાં મેડલ નાખ્યો છે.બજરંગે શનિવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા વજન વર્ગમાં જોરદાર વાપસી કરી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પોર્ટો રિકોના સેબાસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગનો આ કુલ ચોથો મેડલ છે.આ પહેલા તેણે વધુ ત્રણ મેડલ જીત્યા છે.
બજરંગે પ્રથમ વખત 2013માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હતો.ત્યારે તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ પછી બજરંગે 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યારબાદ તે 2019માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.જોકે તે હજુ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી.જોકે તે વિશ્વ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનારો ભારતનો પ્રથમ કુસ્તીબાજ બન્યો છે.
બજરંગને ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકાના જોન ડાયકોમિન્હાલિસે હરાવ્યો હતો અને આ સાથે જ બજરંગ ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો હતો.ત્યારબાદ તેને રેપચાજ રમવાનો મોકો મળ્યો જ્યાં તેણે અર્મેનિયાના વાઝગેન તેવાનયાનને હરાવી બ્રોન્ઝ મેડલ મેચમાં પ્રવેશ કર્યો. આ મેચમાં બજરંગને માથામાં ઈજા થઈ હતી પરંતુ તેમ છતાં તેણે મેડલ જીત્યો હતો અને રેસમાં રહ્યો હતો.બજરંગ માટે મેડલ મેચ આસાન ન હતી. તે 0-6થી પાછળ હતો. આ પછી, તેણે વાપસી કરી અને 11-9ના માર્જિનથી જીત મેળવી.