દિલ્હીઃ આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ થયો છે. બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પ્રટ્રોલ અને ડિઝલના ભાવમાં દરરોજ વધારો થતા લોકોના બજેટ ખોરવાયાં છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીડર રૂ. 109.69ને પાર થયો છે. આમ દેશના મોટાભાગના શહેરો અને નગરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ. 100ના આંકડાને પાર કરી ચુક્યો છે. જો કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લા એવા છે કે જ્યાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સૌથી વધારે છે. આ જિલ્લાઓ અંદરના ભાગમાં હોવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધી જાય છે. ઈંધણના ભાવમાં થઈ રહેલા સતત વધારે પગલે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે.
મધ્યપ્રદેશમાં પેટ્રોલ અને ડિઝલની બધતી કિંમતોની સૌથી વધારે અસર બે જિલ્લામાં જોવા મળે છે. મધ્યપ્રદેશના અનુપપુર અને બાલાઘાટમાં ઈંધણનો ભાવ સૌથી વધારે છે. અનુપપુરમાં આજે પેટ્રોલની કિંમત રૂ. 121.96 અને ડીઝલનો ભાવ 111.13 રહ્યો હતો. આવી જ રીતે બાલાઘાટમાં પેટ્રોલની કિંમત રૂ. 120.96 અને ડીઝલનો ભાવ રૂ. 110.22 રહ્યો હતો. આ ઉપરાંત રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બીકાનેરમાં પણ ઈંધણના ભાવ વધારે છે. મધ્યપ્રદેશનો અનુપપુર જિલ્લો સરહદ ઉપર આવે છે. આ જિલ્લો દૂર હોવાથી તેનો પરિવહન ખર્ચ વધી જાય છે. જેની અસર પેટ્રોલ-ડિઝલના ભાવમાં જોવા મળે છે. અનુપપુરના પેટ્રોલપંપને જબલપુર જિલ્લામાંથી ઈંઘણ સપ્લાય કરવામાં આવે છે. બંને વચ્ચેનું અંતર 300 કિમી જેટલું છે. બાલાઘાટમાં પણ જવલપુરથી જ ઈંધણ પુરુ પાડવામાં આવે છે. આ બંને જિલ્લા વચ્ચેનું અંતર પણ લગભગ 200 કિમી જેટલું છે.