અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગણી સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. તેમજ ઈવીએમ વિશ્વનીય હોવાનો દાવો કર્યો હતો.
કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરમિયાન વીવીપેટ પુરતી સંખ્યામાં નહીં હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજદારે જણાવ્યું હતું કે, વીવીપેટથી મતદારને કોને વોટ આપ્યો તે જાણવા મળે છે. જ્યારે ઈવીએમમાં એ શકય નથી. તેમજ વીવીપેટ પુરતી સંખ્યાં નહીં હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ
ચૂંટણીપંચ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવીટ રજૂ કરવામાં આવી હતી. તેમજ રજૂઆત કરવામાં આવી હતી કે, ઈવીએમ વિશ્નીય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેટલા બુથ છે એટલા વીવીપેટ રાખવા શકય નથી. જેથી વીવીપેટની અમલવારી શકય નથી. બેલેટ પેપરમાં છેડછાડ થઈ શકે છે પરંતુ ઈવીએમમાં છેડછાડ થઈ શકતી નથી. તેમજ હાલ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે જો અરજદારની રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાને અસર થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી બે તબક્કામાં રાખવા મુદ્દે પણ અરજી થઈ છે.