અમદાવાદઃ ગુજરાતની આઠ જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિરીક્ષણની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રવેશ પર હાઈકોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. લો કોલેજોએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગ્રાન્ટેડ લો કોલેજોમાં સરકાર દ્વારા ફેકલ્ટીની ભરતી કરતી નથી. કેટલીક લો કોલેજમાં 13 વર્ષથી પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી છે. જેના લીધે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ 8 કોલેજોને માન્યતા આપી નથી. માન્યતા વગરની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પાસ થયા પછી વકીલાત કરી શકતા નથી. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિમલ વ્યાસે સરકારને એવી ટકોર કરી હતી કે, 60 વિદ્યાર્થીઓ વચ્ચે ફેકલ્ટીને ફાળવવામાં આવે છે. પણ. એક વર્ગમાં 300 વિદ્યાર્થીને પ્રવેશ આપીને એક ફેકલ્ટી ફાળવો તે યોગ્ય નથી.
હાઈકોર્ટમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરાયો હતો કે, 60 વિદ્યાર્થીના એક વર્ગ પૂરતી ફેકલ્ટીની જવાબદારી ઉઠાવી શકશે. સરકાર લો માટે વર્ગો વધારીને ફેકલ્ટીનો પગારનો બોજો ઉઠાવી શકે તેમ નથી. દરમિયાન હાઈકોર્ટે ઝાટકણી કાઢતા સરકારે એવી રજુઆત કરી હતી કે, યોગ્ય લાયકાત ધરાવતા ફેકલ્ટી મળતા નથી. ભરતી માટે અગાઉ સરકારે જાહેરાતો આપી હતી. પ્રિન્સિપાલની જગ્યા ખાલી છે પણ યીજીસીની ગાઈડલાઈન મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો મળતા નથી. દરમિયાન કોર્ટે બીસીઆઇની મંજૂરી ના મળે અને બીસીઆઇ કોલેજોનું નિરીક્ષણ પૂર્ણ ના કરે ત્યાં સુધી લો કોલેજમાં વિદ્યાર્થીઓ ફાળવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેમજ બીસીઆઇને ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કર્યો છે.