રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
- રાજકોટ : ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
- જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
- વીરપુર, ખોડલધામ સહિતના મંદિરો
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના બાદ કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
- આગામી 30 જૂન સુધી રહેશે અમલમાં
રાજકોટ જિલ્લામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ લગાવી દેવાયો છે.રાજકોટ જિલ્લાના વીરપુર, ખોડલધામ સહિતના મંદિરોમાં પણ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ખોડલધામ, વીરપુર જલારામ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, વેણુ-ફુલઝર-ન્યારી-2 ડેમ, આજી-3 ડેમ, IOC પાઇપલાઇન, રામાપીર મંદિર, યુ-ફ્રેશ ડેરી, ભાદર ડેમ, સબ જેલ, જેતલસર રેલવે સ્ટેશન, ગોંડલ બસ સ્ટેશન, પાટણવાવ માત્રી મંદિર સહિત 104 સ્થળ આસપાસ આજથી 30 જૂન સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ સને-1860ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી ASI સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું આજથી 30 જૂન સુધી અમલમાં રહેશે.