હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ
- અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન
- ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય
દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. મકરસંક્રાંતિએ દેશભરમાંથી લોકો ગંગાસ્નાન માટે આવે છે પણ આ વખતે રાજ્યની બહાર રહેનારાઓને આ સૌભાગ્ય નહીં મળે.
સુત્રોના જણાવ્યા અનુસાર હરિદ્વારમાં 14મી જાન્યુઆરીએ પ્રથમ સ્નાન છે. બહું ઓછી સંખ્યામાં સ્થાનિક ગંગા ઘાટ પહોંચશે અને તેના પર વહીવટીતંત્રનું નિયંત્રણ રહેશે. બહારના નહીં, માત્ર રાજ્યના લોકો જ ગંગામાં ડૂબકી લગાવી શકશે તેમ જિલ્લાધિકારી પાંડેએ જણાવ્યું હતું. આદેશનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી થશે તેમ જિલ્લાધિકારીએ જણાવ્યું હતું.