- મહુવા પંથકની ડુંગળીની ઉત્તર ભારતમાં ભારે માગ,
- પ્લાસ્ટિકના બારદાનને કારણે વેપારીઓને વેચાણમાં પડતી મુશ્કેલી,
- વેપારીઓ હવે કંતાનની થેલીમાં ડુંગળીની ખરીદી કરશે
ભાવનગર: જિલ્લાનો મહુવા વિસ્તાર લાલ અને સફેદ ડુંગળીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળી(કાંદા)ની પુષ્કળ આવક થાય છે. અહીંથી ડુંગળી દેશના અનેક રાજ્યમાં પહોંચે છે. ખેડૂતો અને વેપારીઓ લાલ ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવે છે. લાલ ડુંગળી પંજાબ, હરિયાણા, બિહારમાં જાય છે. પ્લાસ્ટિકના બારદાનના કારણે વેચાણમાં મુશ્કેલી પડે છે. જેના પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્લાસ્ટિકના બારદાન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાલ ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 15 નવેમ્બર 2024થી આ પ્રતિબંધ લાગુ પડશે.
મહુવા માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “ખેડૂતો તથા કમિશન એજન્ટો ખાસ ગંભીરતાથી ધ્યાને લેવા વિનંતી કે, લાલ કાંદા(ડુંગળી)નું દેશના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ આસામ સહિતના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. જ્યાં પ્લાસ્ટિકના બારદાન ચાલતા નથી અને ઓછા ભાવે મુશ્કેલીથી ડુંગળીનું વેચાણ થાય છે. તેમજ પ્લાસ્ટિકના બારદાનમાં માર્કો લાગતો નથી અને કાંદા(ડુંગળી)ને નુકસાન પણ વધુ થાય છે. આ અંગે લાલ ડુંગળી ખરીદનાર એસોસિએશને રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તારીખ 15/11/2024 થી લાલ સારા કાંદા ફક્ત કંતાન થેલીમાં જ વેપારીઓ ખરીદી કરશે, જેથી ખેડૂતોએ કંતાનમાં કાંદા લાવવા જણાવવામાં આવ્યું છે. તેમજ પ્લાસ્ટિકમાં લાલ કાંદા લાવશે અને બારદાનમાં પલટાવ્યા બાદ તેની હરાજી કરવામાં આવશે.
પરપ્રાંતના વેપારીઓ કંતાન થેલીમાં લાલ ડુંગળી લેવાનું પસંદ કરે છે. અને તે પ્રમાણે ભાવ વધુ મળે છે, તેથી ખેડૂતોને પણ આ બાબત ધ્યાનમાં લઇ કંતાનની થેલી ઉપયોગમાં લેવી જરૂરી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં દર વર્ષે ડુંગળીનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે, જેથી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ અન્ય જણસીઓની સરખામણીએ લાલ અને સફેદ ડુંગળી વેચાણ અર્થે વધુ આવે છે. તેમજ ભાવનગર જિલ્લામાં દર વર્ષે સરેરાશ 31,000 હેક્ટર કરતા પણ વધુ જમીનમાં ડુંગળીનું વાવેતર થાય છે.